જૂનાગઢમાં તસ્કરોએ હાથફેરો કરી અને પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષકનાં મકાનની ગ્રીલનો નકુચો તોડી તસ્કરો રૂા.૨.૨૧ લાખની ચોરી કરી નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ શહેરના ટીંબાવાડીમાં આવેલ અશોક હોલની પાસે આવેલ અંકુર સોસાયટીમાં મકાન ધરાવતા અને બાંટવા ખાતેની કન્યા શાળામાં સંગીત શિક્ષકની નોકરી કરતા પ્રજ્ઞાચક્ષુ દિનેશભાઈ વલ્લભભાઈ જાેગીયા પરિવાર સાથે બાંટવામાં ભાડાનાં મકાનમાં રહે છે. અને રજા અથવા તહેવારના દિવસોમાં તેમજ બાંટવાથી જૂનાગઢ ઘરે આવતા હતા. દરમ્યાન ગત તા. ૧૭ માર્ચ થી ૨૩ માર્ચના ૬ દિવસ બંધ રહેલા ટીંબાવાડી ખાતેના મકાનના મુખ્ય દરવાજાની ગ્રીલનો નકુચો તેમજ સેન્ટર લોક તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને બાદમાં બેડરૂમમાં રહેલા કબાટના દરવાજાનો લોક તોડી રૂપિયા ૭૦,૦૦૦ના સોનાનો ચેન, ૧૭૫૦૦નું પેન્ડલ, ૩૫,૦૦૦ની સોનાની વીંટી, લેડીઝ વીટી, સોનાની ચીપવાળા પાટલા, સોનાની બુટી, ચાંદીના સિક્કા તેમજ સાંકળા સહિત રૂપિયા ૧,૭૧,૭૫૦ના સોના ચાંદીના દાગીના અને રૂપિયા ૫૦,૦૦૦ની રોકડ મળી કુલ ૨,૨૧,૭૫૦ની માલમતાનો તસ્કરો હાથફેરો કરી ગયા હોવાની ફરિયાદ સંગીત શિક્ષકના પત્ની ચેતનાબેન જાેગીયાએ શુક્રવારની બપોરે કરતા સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પીએસઆઇ આર. પી. વણઝારાએ ડોગ, એફએસસેલની મદદ લઇ ચોરીનો ભેદ ઉકેલવા અને તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.