પ૦૦ બિનરાજકીય લોકોની ઉપસ્થિતિમાં અનેક પ્રશ્નોની કરવામાં આવશે છણાવટ : બેઠક ઉપર સંબંધિતોની મીટ
ઐતિહાસીક રાજકીય ધાર્મિક અને સામાજીક તેમજ પ્રવાસન ક્ષેત્રે પણ અતિ મહત્વના શહેર એવા જૂનાગઢ શહેરમાં અનેક સળગતા સવાલોથી અને પ્રાથમિક સુવિધાના અનેક અણઉકેલ પ્રશ્નોથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે જૂનાગઢ શહેરના કેટલાક પાયાના પ્રશ્નોની ચર્ચા કરવા અને તેનું કારણ અને ઉપાય શોધવા પ૦૦ જેટલા વરિષ્ઠ લોકોની એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. જૂનાગઢ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આજે સાંજના પ થી ૮ દરમ્યાન શિવમ પાર્ટી પ્લોટ, ગિરીરાજ મેઈન રોડ, બસ સ્ટેશન પાછળ આ બેઠક બોલાવવામાં આવેલ છે. આ બેઠક જૂનાગઢ હિત રક્ષક સમિતિના કન્વીનર એડવોકેટ કિરીટ બી. સંઘવી અને પત્રકાર ધીરૂ પુરોહિત દ્વારા આયોજન કરવામાં આવેલ છે અને ફકત બિનરાજકીય અને કોઈપણ રાજકીય હોદ્દેદાર ન હોય તેવા વરિષ્ઠ લોકો જ આ બેઠકમાં નિમંત્રીત છે ત્યારે આજે યોજાઈ રહેલી આ બેઠક ઉપર સંબંધિતોની મીટ રહેલી છે.