શંકર સુવન કેસરીનંદન, તેજ પ્રતાપ મહા જગ વંદન. ત્રેતા યુગમાં અવધનરેશ શ્રીદશરથ મહારાજે ગુરૂ વશિષ્ઠના માર્ગદર્શનથી સંતાન પ્રાપ્તિ અર્થે શ્રીશૃંગી મુનિ દ્વારા તમસા નદીના તટ ઉપર પુત્રકામેષ્ટિ યજ્ઞ દ્વારા જે ચરૂનો પ્રસાદ પ્રાપ્ત કર્યો અને તેમાંથી રાણી કૈકેયીને આપેલો પ્રસાદનો દડીયો અચાનક એક સમડી ઉઠાવી ગઈ. ઊંચા આકાશેથી સમડીની ચાંચમાંથી છટકેલો પ્રસાદનો દડીયો નીચે પડવા લાગતા તેને પવનદેવે ઝીલી લીધો અને પૃથ્વી ઉપર અંજન પર્વત ઉપર રહેતા કેસરી નામના વાનરના પત્ની અંજની માતા નેત્રો બંધ કરી ખોબો ધરીને દેવાધિદેવ મહાદેવજીને પ્રાર્થના કરતા હતા કે, મને કૃપા કરી એક પ્રતાપી પુત્ર થાય તેવી ઈચ્છાને પૂર્ણ કરો. પવનદેવે તેમના ખોબામાં ચરૂનો પ્રસાદ મુક્યો. જેને શિવજીનો પુનિત પ્રસાદ માનીને માતા અંજની આરોગી ગયા. જેના પ્રતાપે ચૈત્ર સુદ પૂનમના પુણ્ય પવિત્ર દિવસે મધ્યાહન કાળે પવનપુત્ર કેસરીનંદન શ્રી હનુમાનજી મહારાજનું ૧૧ માં રૂદ્રરૂપે પ્રાગટ્ય થયું. હનુમાનજી મહારાજ એક આદર્શ પુત્ર, સેવક, શ્રીરામદૂત, નિષ્કામ ભક્તિ અને દાસત્વ ભક્તિના ઉત્તમ ઉદાહરણ છે. એટલે જ તો કહેવાય છે કે, જગતમાં એક જ જન્મ્યો રે કે જેણે રામને રૂણી રાખ્યા આજથી ૧૭૫ વર્ષ પહેલા અખિલ બ્રહ્માંડના અધિપતી ભગવાન શ્રી સ્વામિનારાયણના એકાંતિક મહાન સંત મહાપ્રતાપી શ્રીગોપાળાનંદ સ્વામીએ બોટાદ જિલ્લાના નાનકડા એવા સાળંગપુરધામે આર્તનાદે થયેલી ભક્તોની પ્રાર્થના સાંભળીને મહાપ્રતાપી કેસરીનંદન શ્રીકષ્ટભંજનદેવની દૈદિપ્યમાન પ્રતિષ્ઠા કરી અને દાદામાં એવો પ્રતાપ મુક્યો કે, આજની તારીખે પણ દાદા દેશ-વિદેશમાં વસતા હજારો નહીં પરંતુ લાખો ભક્તોના દુઃખ દૂર કરી રહ્યા છે. અને દાદા પોતાનો દિવ્ય પરચો આજે સાક્ષાત્ આપી રહ્યા છે. સાળંગપુરમાં ભગવાન સહજાનંદ સ્વામીનું વરદાન છે કે, આ ધામમાં યમનું તેડું નથી. એવા ધામમાં આજે પણ દાદાને વર્ષ દરમ્યાન ઋતુ પ્રમાણે વિવિધ પ્રકારના ૧૦૦ જેટલા અન્નકૂટ ધરાવાય છે. એટલું જ નહીં સાળંગપુરમાં દાદાની જેવી સેવા થાય છે તેવી વિશ્વના કોઈ મંદિરમાં થતી નથી. આ નિર્વિવાદ વાત છે. કળિયુગના જીવતા જાગતા દેવ જાે કોઈ હોય તો તે સાળંગપુરધામના શ્રીકષ્ટભંજન દેવ છે. જેને દાદાનો સાક્ષાત્ પરચો જાેવો હોય તેણે અવશ્ય સાળંગપુર આવવું પડે છે. દાદામાં અપાર શ્રદ્ધા ધરાવતા દરેક ભક્તો આવતી તારીખ૨૩-૪-૨૦૨૪ ને ચૈત્ર સુદ પૂનમના રોજ સાળંગપુર મુકામે, મંદિરના કોઠારી અને સ્વામિનારાયણ સંપ્રદાયના સક્રિય અને વિકાસપુરૂષ સંત શ્રીવિવેકસાગરદાસજી સ્વામી દ્વારા દાદાનો પ્રાગટ્યોત્સવ ખુબ ધામધુમપૂર્વક ઉજવવામાં આવશે તે ઉત્સવનો અવશ્ય લાભ લે. અને દાદાના કૃપાના અધિકારી બને. અજરામર, અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા સંકટમોચન દુઃખ હર્તા મારા દાદાનો જય જય કાર હો.