દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં અનેક દર્દીઓને થેલેસેમિયા માટે તેમજ અકસ્માત સહિતના કેસમાં રક્તની જરૂરિયાત બની રહે છે. ત્યારે આ મહત્વની સિવિલ હોસ્પિટલમાં અવારનવાર લોહીની બોટલનો સ્ટોક તળિયા ઝાટક થઈ જાય છે. આ પરિસ્થિતિમાં દર્દીઓને હાલાકી ન થાય તે માટેના ઉમદા હેતુથી શહેરની મધ્યમાં આવેલા મ્યુનિસિપલ ગાર્ડનમાં વોકિંગ કરતા લોકોએ અનેરો વિચાર રજૂ કરી અને આ જ સ્થળે રક્તદાન કેમ્પ યોજી અને લોકોને રક્તદાન માટે આહવાન કર્યું હતું. આ પ્રેરણારૂપ પ્રવૃત્તિમાં સોશિયલ મીડિયા મારફતે વધુ ઉત્સાહમાં આવી ગયેલા લોકોએ રક્તદાન સ્થળે જઈ અને સ્વૈચ્છિક રીતે હોંશભેર રક્તદાન કર્યું હતું. ગાર્ડન ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા અહીં વોકિંગ કરતા કરવા આવતા સદગૃહસ્થો ઉપરાંત મિત્ર વર્તુળ દ્વારા રક્તદાન કરી અને અહીં ૧૦૧ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. જે અહીંની બ્લડ બેન્કને અર્પણ કરવામાં આવ્યું હતું. આ આયોજન દરમ્યાન ગાર્ડન ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા ચા-નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજન આવકારદાયક બની રહ્યું હતું.