વાઘેશ્વરી તળાવનું દુષિત પાણી ઘર સુધી પહોંચી જતા જનતા ત્રાહિમામ : ચૂંટણી બહિષ્કારની ચિમકી

0

તળાવ ઉંડું ઉતારવાની કામગીરી શરૂ થતા અનેક સોસાયટીના બોર, નળ, હેન્ડ પંપમાં દુષિત અને લીલું પાણી પહોંચી જતા રોગચાળાનો ગંભીર ખતરો : તત્કાલ પગલા ભરવા માંગ

જૂનાગઢ શહેરમાં આવેલા વાઘેશ્વરી તળાવને નયનરમ્ય અને રણીયામળુ બનાવવા તેમજ અહીં આવનારા પ્રવાસીઓને વિશેષ સુવિધા મળે તેવું સુંદરમજાનું તળાવ બનાવવા માટે રાજય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે અને સરકારે જે ગ્રાન્ટ ફાળવેલી છે તે અંતર્ગત વાઘેશ્વરી તળાવને ઉંડું ઉતારવાની કામગીરી મનપા તંત્ર દ્વારા હાથ ધરાઈ છે. આ કામગીરી દરમ્યાન બીજી એક જટીલ સમસ્યા સર્જાઈ છે. તળાવ ઉંડું ઉતારવાની કામગીરીને પગલે અસંખ્ય ઘરના બોર-કુવા અને નળ કનેકશનમાં તળાવનું દુષિત પાણી ફરી વળતા રોગચાળાનો ગંભીર ખતરો ઉભો થયો છે અને અનેક સોસાયટીની જનતા આ સમસ્યાથી ત્રસ્ત બની છે અને જાે આ અંગે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો ચૂંટણી બહિષ્કારની ચિમકી પણ આપવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, વાઘેશ્વરી તળાવને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઉંડું ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના પરિણામે તેની નજીકના ગણેશનગર, વાણંદ સોસાયટીથી લઈને કામદાર સોસાયટી સુધીના મોટા ભાગના મકાનોમાં એક એવી સમસ્યા સર્જાઈ છે. જેનાથી લોકો રોષે ભરાયા છે. અહીંના સ્થાનિકોના બોર, હેન્ડ પંપ અને નળ કનેકશનમાં લીલું અને ગંદુ પાણી આવતા લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. અહીંના સ્થાનિકોએ ઘર વપરાશ પીવાના પાણીમાં લીલું પાણી વાપરતા પરિવારના સ્વાસ્થ્ય ઉપર પણ ખતરો ઉભો થયો છે. વારંવાર તંત્રને રજુઆત કરવા છતાં પણ પાણી મામલે યોગ્ય નિરાકરણ આવ્યું નથી જયારથી અહીં તળાવ ખોદવામાં આવ્યું છે ત્યારથી આ વિસ્તારમાં લીલું પાણી આવે છે અને તાવ, ઉલ્ટી અને ખંજવાળ જેવા રોગો શરૂ થયા છે. આ પાણી ઘરકામના કોઈ વપરાશમાં પણ ઉપયોગી થતું નથી. અહીંના સ્થાનિકોના તમામ બોરમાં પણ આ લીલું પાણી ભળી ગયું છે. અનેક વખત રજુઆત પણ કરી છે પરંતુ તંત્ર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે, વહેલી તકે આ પાણી ખાલી કરવામાં આવશે પરંતુ ચોમાસુ આવી ગયા બાદ આ તળાવ ફરી ભરાઈ જશે અને પાણીની સમસ્યા એમની એમ જ રહેશે તેવો રોષ સ્થાનિકો દ્વારા વ્યકત કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ તળાવ ઉંડું ઉતારવાની કામગીરીને પગલે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે કે વાઘેશ્વરી તળાવનું દુષિત પાણી બોર, નળ અને હેન્ડ પંપમાં આવી જતું હોય તેને લઈને રોગચાળાનો ગંભીર ખતરો રહેલો છે. જાે આ પરિસ્થિતિમાંથી વહેલી તકે મુકત કરવા માટે મનપા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહી આવે તો આ વિસ્તારની જનતા લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચિમકી પણ આપવામાં આવી છે.

error: Content is protected !!