ભાણવડના ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રે ઘરફોડ ચોરી : પોણા ચાર લાખની રોકડ રકમ ઉસેડી જતા તસ્કરો

0

ભાણવડ નજીક આવેલા સઈ દેવરીયા ગામે મોડી રાત્રીના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ ખાતર પાડી, એક આસામીના રહેણાંક મકાનના કબાટમાં રાખવામાં આવેલા રૂપિયા ૩.૮૦ લાખની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડથી આશરે ૧૦ કિલોમીટર દૂર સઈ દેવરીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા હિતેશભાઈ ભોજાભાઈ ગાજણોતર નામના ૪૧ વર્ષના સગર યુવાનના રહેણાંક મકાનમાં શુક્રવારે રાત્રિના આશરે દોઢેક વાગ્યાના સમયે કોઈ તસ્કરોએ અનધિકૃત રીતે પ્રવેશ કરી અને રૂમના દરવાજાના નકુચા કોઈ તિક્ષ્ણ હથિયાર વળે તોડી નાખ્યા હતા. ત્યાર બાદ આ મકાનમાં રહેલો ઘરવખરીનો સામાન વેરવિખેર કરી અને રૂમમાં રહેલા એક પતરાના કબાટના ખાનામાં ગોદડા નીચે છુપાવીને રાખવામાં આવેલી જુદા જુદા દરની રૂા.૩.૮૦ લાખની ચલણી નોટો ચોરી કરીને લઈ ગયા હતા. આટલું જ નહીં, અહીં રહેલા કેટલાક મહત્વના કાગળો પણ આ તસ્કરો લઈ ગયા હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ અંગે ભાણવડ પોલીસે સગર હિતેશભાઈ ગાજણોતરની ફરિયાદ ઉપરથી અજાણ્યા તસ્કરો સામે આઈ.પી.સી. કલમ ૩૮૦ તથા ૪૫૭ મુજબ ગુનો નોંધ્યો છે. આ બનાવ બાદ અહીંના ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ તેમજ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ ચોરી પ્રકરણમાં કોઈ જાણભેદુઓ પણ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ આદરી છે. ભાણવડના પી.એસ.આઈ. એમ.આર. સવસેટા દ્વારા તસ્કરોને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

error: Content is protected !!