જૂનાગઢમાં આવતીકાલ તા.૩ મે – શુક્રવારે જૂનાગઢ જિલ્લાના સમસ્ત ક્ષત્રિય સમાજનું મહા સંમેલન યોજાશે. હાલમાં પુરૂષોત્તમ રૂપાલા મામલે જે વિવાદ ચાલી રહ્યો છે તે મુદ્દાને પણ ધ્યાને રાખીને રણનિતી ઘડવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે. આ અંગે જૂનાગઢ સ્થિત રાજપુત કરણી સેનાના જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ક્ષત્રિયો વિશે પુરૂષોત્તમ રૂપાલાએ કરેલા વાણી વિલાસ બાદ સમગ્ર દેશના ક્ષત્રિયોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. અનેક ગામોમાં ક્ષત્રિય સમાજના મહા સંમેલન યોજાઇ રહ્યા છે. ત્યારે હવે જૂનાગઢમાં પણ મહા સંમેલન યોજાવા જઇ રહ્યું છે. જૂનાગઢ જિલ્લાના તમામ ક્ષત્રિય સમાજનું આ મહા સંમેલન આવતીકાલ શુક્રવાર તા.૩ મે એ શહેરના ખલીલપુર રોડ સ્થિત ગોલ્ડન ફાર્મમાં સાંજના ૫ઃ૩૦ વાગ્યાથી યોજાશેે. આ મહા સંમેલનમાં સમગ્ર જિલ્લામાંથી અંદાજે ૩ થી ૪ હજાર જેટલા ક્ષત્રિયોની ઉપસ્થિતી રહેશે. આ સંમેલનમાં હાલની સ્થિતીને લઇને પણ મહત્વના ર્નિણય કરવામાં આવી શકે છે. ખાસ કરીને પુરૂષોત્તમ રૂપાલાને હટાવવાની માંગ હતી જે સંતોષાઇ નથી. ત્યારે હવે તા.૭ મેએ યોજાનાર લોકસભાની ચૂંટણીમાં કોને મત આપવો કે કોને મત ન આપવો તે અંગેનો ર્નિણય પણ આ સંમેલનમાં થઇ શકે છે. જાેકે, આ સંમેલન એકદમ શાંતિપુર્ણ રીતે અને સંપૂર્ણ લોકશાહી ઢબે યોજાશે તેમ જાણવા મળે છે.