જૂનાગઢ જીલ્લામાં મતદાનના દિવસે ‘હિટવેવ’ની સ્થિતિને ધ્યાને લઈ તંત્ર દ્વારા તકેદારીના પગલા

0

જીલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવાસીયાના માર્ગદર્શન હેઠળ ૧૩૩પ બુથ ઉપર આગવી વ્યવસ્થા ગોઠવાઈ

જૂનાગઢ લોકસભાની બેઠક માટેની ચૂંટણી આગામી તા.૭ મેના રોજ યોજાઈ રહી છે. જયારે આ દિવસે તાપમાન ૪ર ડિગ્રી સુધી પહોંચવાની આગાહીને પગલે હિટવેવ જેવી સ્થિતિ સર્જાવાની છે ત્યારે તેને લઈને આગોતરૂ આયોજન કરવામાં આવેલ છે. તેમજ લોકશાહીના પર્વ દરમ્યાન ૧૦૦ ટકા મતદાન થાય તેવા પ્રયાસો વચ્ચે સખ્ત ગરમી વચ્ચે પણ લોકો મતદાન કરી શકે તેવી સુદ્રઢ વ્યવસ્થા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર, લોકસભાની ચૂંટણી ર૦ર૪ને લઈને જૂનાગઢ જીલ્લા કલેકટર અને જીલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવાસીયાના માર્ગદર્શન હેઠળ ૧૩૩પ બુથ ઉપર આગામી તા.૭ મેના રોજ સવારે ૭ થી ૬ સમયગાળા દરમ્યાન મતદાન થવાનું છે ત્યારે હિટવેવને ધ્યાને લઈ તમામ બુથ ઉપર ચૂંટણી તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે. જેમાં પાણી, ઓઆરએસના પેકેટ, મેડીકલ ટીમ, એમ્બ્યુલન્સ, હેલ્થ સ્ટાફ સહિતની તૈયારી કરવામાં આવી છે. જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં હાલ ઉનાળો આકરો બની અને વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૦ થી ૪ર ડીગ્રીને પાર રહે છે અને જેને લઈને સમગ્ર ગુજરાતમાં અવકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે ત્યારે હિટવેવની સ્થિતિનું નિર્માણ થયું છે. ગરમીનો પારો ઉંચકાતો હોય છે અને ભેજનું પ્રમાણ ઘટી જતું હોય છે. આવી સ્થિતિમાં ગરમીનું પ્રમાણ અતિશય આક્રમણકારી રહેવાને પગલે જનજીવન પ્રભાવિત બન્યું છે. સોરઠ પંથકમાં પણ ઘણા દિવસો અસામાન્ય તાપમાન રહેવાને કારણે લોકો ગરમીથી અકળાયા છે અને ત્રાહીમામ પોકારી ઉઠયા છે. વિશેષમાં જૂનાગઢ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સુર્યદેવ કોપાયમાન થયા હોય તેમ તાપમાનનો પારો ૪૧ ડીગ્રી રહેવા પામ્યો છે. અસહ્ય અને કાળઝાળ ગરમીના લીધે દવાખાનાઓમાં ઝાડા, ઉલ્ટીના કેસોમાં પણ ધરખમ વધારો જાેવા મળ્યો છે. લોકોના પરસેવા છુટી જવાના લીધે શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થતા ચક્કર આવવા, નબળાઈ, આખે અંધારા આવવા, બોડી ડી હાઈડ્રેટ થઈ જવાની ફરિયાદો વધુ જાેવા મળી રહી છે. ગરમીનો પારો ઉચકાતા તડકાથી રાહત મેળવવા અને સ્વાસ્થ જાળવી રાખવા માટે લોકોએ બપોરના સમયે ઘરની બહાર નિકળવાનું ટાળતા જાેવા મળી રહ્યા છે. જેના પરિણામે લોકોની અવર-જવરથી ધમધમતા રસ્તાઓ હાલ સુમસામ બન્યા છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના ધીંમત વઘાસીયાના જણાવ્યાનું સાર ગરમીની વાત કરવામાં આવે તો છેલ્લા ૩૦ વર્ષમાં ર૦૧૮ અને ર૦ર૦માં મે મહિનામાં ગરમીનો પારો સતત રપ દિવસ સુધી ૪૦ ડીગ્રીને પાર રહેવા પામ્યો હતો. આ બે વર્ષ દરમ્યાન ઉનાળો આકરા પાણીએ રહેવા પામ્યો હતો. ત્યારે હાલ વર્ષ ર૦ર૪ના મે મહિનાની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક દિવસથી તાપમાનનો પારો ૪૧ થી ૪ર ડીગ્રી આસપાસ રહેવા પામ્યો છે. તેમજ આગામી તા.૭ મે બાદ તાપમાનનો પારો ફરીથી ઉચકાશે તેવી આગાહી કરવામાં આવી છે. મતદાનના દિવસે જ તાપમાનનો પારો ૪ર ડીગ્રીની આસપાસ રહેવાની શકયતાને પગલે જીલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવાસીયાના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં આવેલા ૧૩૩પ બુથ ઉપર મેડિકલ ટીમ સહિતની વ્યવસ્થા તૈનાત કરવામાં આવી રહી છે.

error: Content is protected !!