જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની મતદારોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવા વધુ એક પહેલ : લોકશાહીના મહાપર્વમાં તા.૭મી મે એ સહ પરિવાર- મિત્ર વર્તુળ સાથે મતદાન કરવા કલેકટરશ્રીનો અનુરોધ : તા.૭ મી મે એ બ્લ્યુ ટીક સાથેની તમારી સેલ્ફી-તસવીર વોટ્સએપ નં. ૯૦૨૩૦૦૫૬૦૦ પર મોકલવાનું ચૂકશો નહીં
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા પોતાના આધિકારિક સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તમારી સેલ્ફી – તસવીર શેયર કરશે. આ માટે માત્ર તમારે તા.૭મી મે એ ચૂક્યા વગર ૧૫-૨૦ મિનિટનો સમય ફાળવી મતદાન કરવાનું રહેશે.
કલેકટર શ્રી કહે છે કે, લોકશાહીના મહાપર્વને પણ અન્ય તહેવારો- પ્રસંગોની જેમ આનંદ-ઉલ્લાસ સાથે ઉજવાય તે દેશની લોકશાહી માટે જરૂરી છે. આપણે વાર-પ્રસંગોને યાદગીરીરૂપે સાચવી રાખવા માટે તસવીરો જરૂર લેતા હોય છીએ. ત્યારે આપણા પરિવારજનો કે, મિત્ર વર્તુળ સાથે મતદાન કરી લોકશાહીના આ પર્વને પણ આપણે યાદગાર બનાવીએ.
ત્યારે આ માટે ખાસ જિલ્લા ચૂંટણી તંત્રએ સેલ્ફી With Blue Tick અભિયાન શરૂ કર્યું છે. જેમાં તા.૭મી મે એ મતદાન કરીને બ્લ્યુ ટીક દર્શાવીને સેલ્ફી-તસવીર એક વોટ્સ એપ નંબર પર મોકલવાની રહેશે. જેના માટેનો વોટ્સએપ નં. ૯૦૨૩૦૦૫૬૦૦ છે.
આમ, મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહન મળી રહે તે માટે આ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ સેલ્ફી તસવીર પરિવારજનો કે મિત્ર વર્તુળ સાથે મતદાન કરીને મોકલવાની રહેશે. પરંતુ એવું પણ નથી કે, માત્ર સમુહમાં લીધેલ તસવીર -સેલ્ફી મોકલવી, વ્યક્તિગત રીતે પણ સેલ્ફી મોકલી શકાશે.
કલેકટર શ્રી જણાવે છે કે, મતદાન મથક અંદર મોબાઈલ લઈ જવો પ્રતિબંધિત છે, એટલે મતદાન મથકની બહાર આવી સેલ્ફી તસવીર લેવાની રહેશે. આ માટે જરૂરી કાળજી લેવા અનુરોધ કર્યો છે.
આમ, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીએ મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા વધુ એક નવીન પહેલ કરી છે.