જૂનાગઢનાં આંગણે ગઈકાલે વિપુલ સંખ્યામાં મહાનુભાવો હરિભક્તોની ઉપસ્થિતિમાં બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરનો ૧૮મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાઈ ગયો હતો. મંગળ પ્રભાતે સંતો ભક્તો દ્વારા મંદિરમાં ભગવાનની મૂર્તિઓને વેદોક્ત વિધિપૂર્વક જલાભિષેક કરવામાં આવ્યો હતો ત્યારબાદ સાંજે સંતો દ્વારા વેદોક્ત મહાપૂજન વિધિનો પ્રારંભ થયો હતો જેમાં મહાનુભાવો હરિભક્તોએ યજમાન પદે શ્રદ્ધાપૂર્વક લાભ લીધો હતો અને સભામાં સંતોના આશીર્વચન પ્રાપ્ત કર્યા હતા. આ પાટોત્સવ નિમિત્તે મંદિર ખાતે પંચ દિવસીય સંત પારાયણનો અવસર ચાલી રહ્યો છે. જેમાં સારંગપુરથી પધારેલા વરિષ્ઠ સંત પૂજ્ય અક્ષરચરણ સ્વામીએ બે દિવસ “ગુરૂ પરંપરાની મહત્તા” ઉપર પારાયણ લાભ આપ્યો હતો તથા બાકીના ત્રણ દિવસ સારંગપુરના વિદ્વાન સંત પૂજ્ય અક્ષરનયન સ્વામી “મંદિરોની મહત્તા” ઉપર પારાયણ લાભ આપી રહ્યા છે.