ખોટી એન્ટ્રીઓ કરી અને લાખોની ગોલમાલ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી
જૂનાગઢ શહેરમાં આવેલી અક્ષર જવેલર્સ નામની પેઢીમાં મેનેજરે રૂા.૯૧ લાખના કાચા સોનાની હેરાફેરી કરી હોવાનો બનાવ બહાર આવતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવમાં સોની વેપારી પેઢીમાં મેનેજર તરીકે છેલ્લા અઢી વર્ષથી નોકરી કરતા કુતિયાણાના શખ્સે ઓનલાઈન સોફટવેરમાં ખોટી એન્ટ્રી કરીને માત્ર ત્રણ મહિનામાં જ ૯૧ લાખના કાચા સોનાની હેરાફેરી કરી હોવાનો કિસ્સો પોલીસ દફતરે નોંધાયો છે. આ અંગે પોલીસમાંથી થતી પ્રાપ્ત વિગત અનુસાર, જૂનાગઢમાં રાયજીબાગ વિસ્તારમાં રહેતા અને છાયા બજારમાં હેઠાણ ફળીયા વિસ્તારમાં અક્ષર જવેલર્સ નામે પેઢી ધરાવતા સુનિલ ધીરજલાલ રાજપરાની પેઢીમાં ત્રણ ભાઈઓ સંયુકત રીતે સોનાના દાગીનાનો વેપાર કરે છે તેમની પેઢીમાં ૧૧પ જેટલા કારીગરો કામ કરે છે. તેમની પેઢીમાં છેલ્લા અઢી વર્ષથી મેનેજર તરીકે કામ કરતા કુતિયાણાના મયુર નાનજી વાઘેલા(હાલ રહે.મધુરમ, મંગલધામ-ર) સામે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, મયુર તેમની પેઢીમાં મેનેજર તરીકે અને એસજી પ્લસ સોફટવેર આપેલ જેમાં સોનાની આપ-લે કરવાનું કામ તેના માટે હતું. તેની નીચે ચાર કારીગરો પણ કામ કરતા હતા તેને માસીક ૧૪ હજાર પગાર આપવામાં આવતો હતો પરંતુ તેણે તા.૧ર ફેબ્રુઆરી ર૦ર૪ થી ૧૬ મે ર૦ર૪ સુધીમાં ખોટી એન્ટ્રી કરીને ૧ર૮ર.૦૭ ગ્રામ સોનુ જેની કિંમત રૂા.૯૧ લાખ જેવી થાય છે તે સોનુ સ્ટોકમાં ન મળતા તેણે પેઢી સાથે ૯૧ લાખની વિશ્વાસઘાત, છેતરપિંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.