જૂનાગઢમાં રૂા.૯૧ લાખની છેતરપિંડી કેસમાં આરોપીઓ પાસેથી મુદ્દામાલ રિકવર કરવા તપાસ હાથ ધરાઈ

0

જૂનાગઢની અક્ષર જ્વેલર્સ પેઢી સાથેની રૂપિયા ૯૧ લાખની છેતરપિંડી મામલે પકડાયેલ પેઢીના મેનેજર સહિત ૩ શખ્સોની પોલીસે પૂછપરછ હાથ ધરી મુદ્દામાલ કબજે કરવા કવાયત શરૂ કરી છે. અક્ષર જ્વેલર્સનાં કારીગરોના નામે ખોટી એન્ટ્રીઓ કરી પેઢીના સ્ટોક મેળમાં સાચી એન્ટ્રીઓ, સ્ટોક બતાવી પેઢીનું રૂપિયા ૯૧ લાખની કિંમતનું ૧૨૮૨.૦૭ ગ્રામ કાચું સોનુ ઓળવી જઈ પેઢી સાથે છેતરપિંડી આચરવાના કેસમાં પોલીસે પેઢીના મેનેજર મયુર નાનજીભાઈ વાઘેલા તેમજ તેના મળતિયા કલ્પરાજસિંહ ઉર્ફે કલ્પેશ નકુમ અને ભૌમિક મહિપતભાઈ પરમારની અટકાયત કર્યા બાદ ત્રણેયને શનિવારે ૪ દિવસનાં રિમાન્ડ ઉપર મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. તપાસનીશ એ ડિવિઝનનાં પીઆઈ વી. જે. સાવજે જણાવ્યું હતું કે, આ ગુનામાં ત્રિપુટી સિવાય તેમની સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે ઉપરાંત કાચુ સોનું ઓળવી લીધા બાદ તેનું શું કર્યું સહિતના મુદ્દે ત્રણેયની પૂછપરછ ચાલી રહી છે. આ ઉપરાંત આ શખ્સોને જ્વેલર્સ પેઢી ખાતે પણ લઈ જઈને તપાસની પ્રક્રિયા હાથ ધરાશે. સાથે સાથે ત્રિપુટીનાં ઘરની ઝડતી પણ કરવામાં આવશે. આ સમગ્ર મામલામાં ઝડપાયેલા ત્રણ શખ્સ ઉપરાંત તેની સાથે અન્ય શખ્સો પણ સામેલ હોવાની શંકા હોય તે માહિતી ત્રણેયની પાસેથી ઓકાવવા માટેની પણ તજવીજ હાથ ધરાઇ છે. ખાસ કરીને મુદ્દામાલ રિક્વર કરવા માટે તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે. પ્રાથમિક તબક્કે તપાસમાં મેનેજર મયુર વાઘેલા પેઢીમાંથી કાચુ સોનુ ગપચાવી લીધા બાદ કલ્પરાજસિંહને અને બાદમાં આ શખ્સ ભૌમિક પરમારને સોનુ વેચતો હોવાની વિગતો બહાર આવી છે. આથી સોનુ લે-વેચ કરવામાં અન્ય શખ્સો સામેલ હોવાની શક્યતા નકારી શકાતી નથી જેથી આ મુદે પણ તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે.

error: Content is protected !!