ચારધામ યાત્રામાં લાખો લોકો ઉમટી પડતા વ્યવસ્થા ખોરવાઈ ઃ હજારો યાત્રાળુઓ દર્શન કર્યા વિના જ પરત ફર્યા

0

હિન્દુઓની પવિત્ર ચારધામ યાત્રામાં હજારો-લાખોની સંખ્યામાં યાત્રાળુ ઉમટી પડયાને પગલે અંધાધુંધીની પરિસ્થિતિ સર્જાય ગઈ છે અને વહીવટી તંત્ર દ્વારા વધારાની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં ભાવિકો દર્શન કર્યા વિના પરત ફરવા લાગ્યા હોવાની પરિસ્થિતિ ઉભી થવા લાગી છે.
પવિત્ર ચારધામ યાત્રામાં ભાવિકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે શ્રેણીબધ્ધ પગલા ઉઠાવવામાં આવ્યા હોવા છતાં હજારોની ભીડને કારણે લોકોને દર્શન કર્યા વિના જ પાછા ફરવાનો વખત આવ્યો છે. મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડયા હોવાના કારણે અને વારો આવવામાં કલાકોનો સમય લાગતો હોવાના કારણે ચાર હજાર જેટલા યાત્રાળુઓ દર્શન કર્યા વિના જ પરત ફરી ગયા હોવાનું બહાર આવ્યું છે.

ભાવિકોના અસામાન્ય પ્રવાહને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ઓફલાઇન રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું હોવાના કારણે સેંકડો ભાવિકો મુશ્કેલીમાં મુકાયા છે. ઋષિકેશમાં રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ૧૨ હજાર યાત્રાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા. પરંતુ તેઓની વ્યવસ્થા નહીં થઇ શકતા ચાર હજાર યાત્રાળુ દર્શન કર્યા વિના જ પરત ફરી ગયા છે.
યમુનોત્રી યાત્રામાં વધતી જતી ભીડના કારણે ઉતર કાશીના કલેકટરે કલમ ૧૪૪ લાગુ કરવાનો આદેશ આપ્યો છે. જે અંતર્ગત જાનકી ચટ્ટીથી યમુનોત્રી સુધીનાં પગપાળા માર્ગમાં ઘોડા-ખચ્ચર અને ડંડી-કંડીની સંખ્યા નકકી કરવામાં આવી છે. ચારધામ સરકીટ પર છેલ્લા ૧૧ દિવસમાં ૩૯ શ્રધ્ધાળુઓનાં મોત થયા હોવાનું જાણવા મળે છે.
દરેક ઘોડા-ખચ્ચરના યાત્રીઓને યમુનોત્રી લઈ જવા અને દર્શન બાદ તેમના પરત ફરવાની સમય સીમા પાંચ કલાકની નકકી કરાઈ છે. સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે પાંચ કલાકથી વધુ કોઈપણ ઘોડા-ખચ્ચર યાત્રા માર્ગ પર નહીં રહે. યમુનોત્રી ધામ પર યાત્રીને ૬૦ મીનીટમાં યમુનોત્રીનાં દર્શન કરવાની વાત પણ આદેશમાં કહેવાઈ છે.

error: Content is protected !!