જૂનાગઢ તાલુકા સેવાસદનનો દરવાજાે બંધ કરી દેવાતા અરજદારોને હાલાકી

0

આડેધડ થતા પાર્કિંગ સહિતની સમસ્યા ઉદભવતી હોવાને કારણે ગેટ બંધ કરાયો છે અને મુખ્ય ગેઈટનો ઉપયોગ કરવા લોકોને અનુરોધ

જૂનાગઢ શહેરમાં સરદારબાગ નજીક જૂનાગઢ તાલુકા સેવા સદન કચેરી આવેલી છે. આ કચેરીના રોડ ઉપરના ગેઈટ નજીક વિવિધ સમસ્યાઓ સર્જાતી હોવાના કારણે ગઈકાલે પ્રાંત અધિકારીના આદેશ અનુસાર રોડ ઉપરનો આ ગેઈટ બંધ કરી દેવામાં આવતા અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ અહીં પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવાયા બાદ રોડ ઉપરનો આ ગેઈટ ખોલવામાં આવશે ત્યાં સુધી લોકોને મુખ્ય ગેઈટનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જૂનાગઢ તાલુકા સેવા સદન કચેરીએ આવેલી વિવિધ ઓફિસોમાં લોકો કુપનમાં નામ કમી, એટીવીટી શાખા, જાતી પ્રમાણપત્ર, આવકનો દાખલો, ૭/૧ર, ઈબીસીનું સર્ટીફિકેટ તેમજ અનેક પ્રમાણપત્રો અને દાખલા કઢાવવા માટે લોકોને તાલુકા સેવા સદન ખાતે આવવાનું થતું હોય છે અને અરજદારોનું આવનજાવન આ કચેરીમાં સતત રહેતું હોય છે. દરમ્યાન ગઈકાલે તાલુકા સેવા સદનના રોડ ઉપરના ગેઈટને બંધ કરી દેવામાં આવેલ છે અને જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમ્યાન ગઈકાલે અરજદારોને આ બંધ કરાયેલા ગેઈટ કુદી અને અંદર જઈ રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. વધુમાં વિવિધ કામગીરી સબબ અહીં આવનારા અરજદારોએ એવી રજુઆત કરી છે કે રોડ ઉપરનો આ ગેઈટ તત્કાલ ખોલી નાખવામાં આવે તેવી તેઓની માંગણી છે. તો બીજી તરફ જૂનાગઢના પ્રાંત અધિકારી અને સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, તાલુકા સેવા સદનનો રોડ ઉપરનો ગેઈટ વિવિધ સમસ્યાઓને કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો. ખાસ કરીને લોકો આડેધડ વાહન પાર્ક કરી નાખતા હોય છે તેમજ ગેઈટ પાસે જ કાયમને માટે લોકોનો જમાવડો હોય છે. એટલું જ નહી ત્યાં ઉભેલા લોકો પાન-માવા સહિતનો કચરો પણ ત્યાં ફેંકતા હોય છે અને આડેધડ વાહન પાર્ક કરીને ઘણા લોકો પોતાના કામ ઉપર પણ જતા રહેતા હોય છે. આડેધડ વાહન પાર્કિંગ કરીને જતા રહેતા અરજદારોના લીધે કર્મચારીના વાહનો અને અધિકારીઓના વાહનોને જવા-આવવા માટે રસ્તો રહેતો નથી તો બીજી તરફ મનફાવે ત્યાં પાન મસાલાની પીચકારી મારીને કચેરીમાં ગંદકી ફેલાવવામાં આવે છે. ગઈકાલે પોલીસ બોલાવી અને રપથી વધારે વાહનોને ટોઈંગ કરાવી અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જીલ્લા પોલીસ વડાને પણ એક અરજી આપવામાં આવી છે અને અહીં પોલીસ સ્ટાફ કે જીઆરડી અને હોમગાર્ડ જવાનોની ફાળવણી કરવામાં આવે જેથી રાત્રીના સમયે પણ કચેરીમાં કોઈ આવારાતત્વો દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિ કરવામાં ન આવી શકે અને વિશેષમાં પોલીસની વ્યવસ્થા થયા બાદ ફરીથી આ ગેઈટ ખોલવામાં આવશે ત્યાં સુધી અરજદારોને મુખ્ય ગેઈટનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવેલ છે.

error: Content is protected !!