જૂનાગઢના ભાજપના વોર્ડ નં-૧ના પૂર્વ કોર્પોરેટર અને બિલ્ડરને મુંબઈના બે ભજનીક દ્વારા ધમકી અપાઈ : પોલીસ ફરિયાદ

0

જૂનાગઢના ભાજપના વોર્ડ નં-૧ના પુર્વ કોર્પોરેટર અને બિલ્ડરને મુંબઈના બે ભજનીક દ્વારા જાનથી મારી નાખવાની ફોન ઉપર ધમકી આપવામાં આવતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે પુર્વ કોર્પોરેટર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા બી ડીવીઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર ભાજપના વોર્ડ નંબર ૧ના પુર્વ કોર્પોરેટર અને બિલ્ડર ભુપતભાઈ શિવલાલભાઈ શેઠીયા(રહે.બ્લોક નં-૪૦૪, ચોથા માળે, નીલધારા એપાર્ટમેન્ટ, તળાવ દરવાજા પાસે)એ બી ડીવીઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.૩ મેએ મુંબઈના ભજનીક જીતુભાઈના ૯૮ર૦૭૩૭૧૬૪ નંબરના મોબાઈલ ઉપરથી ફોન આવ્યો હતો. ફોનમાં જીતુભાઈ ભજનીકે કહ્યું હતું કે, તું જયાં હોય ત્યાં ચેતીને રહેજે અમે ભજનના ડાયરા કરતા હોય અમને ગામે ગામના લોકો ઓળખતા હોય છે. તું જયાં જાય એની અમને ખબર પડી જશે. અમે તારા હાથ-પગ તોડીને તને જાનથી મારી નાખીશું. બાદમાં જીતુભાઈ ભજનીકનો ચાલુ ફોન લઈ મુંબઈના જ ભજનીક વસંતભાઈ ભદ્રાએ મારી સાથે વાત કરી તેણે પણ મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મુંબઈ વાળા જીતુભાઈ ભજનીક અને વસંતભાઈ ભદ્રા સાથે મારે સમાજની બાબતમાં ર૦-રર દિવસ પહેલા જામનગર ખાતે માથાકુટ થઈ હતી તે બાબતનું મનદુઃખ રાખીને મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ભુપતભાઈ શેઠીયાની ફરિયાદના આધારે પોલીસે જીતુભાઈ ભજનીક રહે.મુંબઈ તેમજ વસંતભાઈ ભદ્રા ભજનીક રહે.મુંબઈ વાળા વિરૂધ્ધ કલમ પ૦૬(ર) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસકે પટોળીયા ચલાવી રહ્યા છે.

error: Content is protected !!