એનઓસી ન હોય, ફાયર સેફટીનો અભાવ, કોઈ બનાવ બને તો મદદ કઈ રીતે મળે તે સહિતના પ્રશ્નોના અવઢવ વચ્ચે આડેધડ ચાલતા કેટલાક વ્યવસાયો : લોકોએ જાહેર સ્થળોએ જતા પહેલા સલામતીનો વિચાર કરવાનો સમય આવી ગયો છે
જૂનાગઢ શહેરમાં આવેલા કેટલાક વેપારી સંકુલો, હોસ્પિટલો, ફરવા લાયક સ્થળો, જાહેર સ્થળો, હોટલો, ટયુશન કલાસીસ, શૈક્ષણીક સંસ્થાઓ સહિતના કેટલાક સ્થળો સલામતીના સાધનો વિના ધમધમી રહ્યા હોય તેની સઘન ચેકિંગ કરી અને જવાબદારો સામે પગલા ભરવાની માંગણી ઉઠવા પામી છે. એટલું જ નહી જવાબદારો સામે કડક પગલાની પણ માંગ કરવામાં આવી છે. જૂનાગઢ શહેર જીલ્લાનું મુખ્ય મથક ઉપરાંત ઐતિહાસીક, સાંસ્કૃતિક, ધાર્મિક અને પ્રવાસનની દ્રષ્ટીએ અત્યંત મહત્વનું શહેર હોય આ શહેરમાં આવેલા જાહેર સ્થળો, ફરવા લાયક સ્થળો તેમજ મનોરંજનના અનેક સ્થળો આવેલા છે અને જૂનાગઢ શહેર ઉપરાંત દુર-દુરથી પ્રવાસી જનતા મોટી સંખ્યામાં આ પ્રવાસન સ્થળોની મુલાકાતે આવે છે અને પરિવારજનો સાથે ફરવાનો અને એક અન્યય સ્થળ નિહાળવાનો લ્હાવો મેળવે છે. પરંતુ હવે જૂનાગઢ શહેરના લોકો તેમજ પ્રવાસી જનતાને ગાફેલ રહેવું તેમ પરવડે તેમ નથી. મનોરંજનના સ્થળો તેમજ ફરવા લાયક સ્થળોએ જતા પહેલા ત્યાં સલામતીની કેવી વ્યવસ્થા છે અને સંભવિત કોઈ દુર્ઘટના બને તો તેની સામે તત્કાલ મદદ મળી શકે તેમ છે કે નહી તે વિચારવાનો સમય આવી ગયો છે.
રાજકોટ ખાતે ગેમઝોનમાં બનેલી દર્દનાક ઘટનાએ ૩૩ જીંદગીને હોમી દીધી છે અને આ બનાવના કારણો, તારણો, ઉચ્ચતરીય તપાસ અને સહાય જાહેર કરવામાં આવી રહી છે અને હાલ તો દોષારોપણ અને તપાસનો ભારે ધમધમાટ ચાલી રહ્યો છે. સમગ્ર ગુજરાતનું ધ્યાન આ ઘટના ઉપર જ કેન્દ્રીત થયેલું છે. આવા બનાવો શા માટે બને છે તેવા સવાલોના જવાબ માત્ર એટલો જ છે કે આવા બનાવોનું મુખ્ય કારણ ઘોરબેદરકારી તેમજ પૈસાના લાલચું વ્યસાયકારોએ આડેધડ પોતાના ધંધાઓ ખોલી નાખી અને અનેક લોકોની જીંદગીનો ખતરો તોડી મોતનો પરવાનો ખોલી નાખ્યો હોય તેવું લાગે છે. ગુજરાતનું અગ્રણી કક્ષાનું કહી શકાય તેવું રાજકોટ શહેર કે જયાં ઉચ્ચ કક્ષાના નેતાઓના પણ વસવાટ છે તેમજ રાજકોટની પ્રજા પણ ખુબ જ જાગૃત હોય તેમ કહેવાય છે પરંતુ રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમ ઝોન છેલ્લા ચાર વર્ષથી ધમધમી રહ્યું હતું અને તેમ છતાં તેની કાયદેસરતાને પડકારવામાં આવી ન હતી. એટલું જ નહી જે આ બનાવ અગ્નિકાંડનો બન્યો છે અને ત્યાર પછી જે વિગત બહાર આવી છે તેમાં થર્મોકોલથી આખું સ્ટ્રકચર બનાવવામાં આવેલ હતું તેમજ પેટ્રોલ અને ડિઝલનો જથ્થો પણ ત્યાં રહ્યો હતો. ત્યારે એમ કહી શકાય કે આગને અને પેટ્રોલમાં બાજુમાં બાજુમાં રાખ્યા હોય ત્યારે આવી અતિ દર્દનાક ઘટના બને છે. રાજકોટની આ ઘટના બાદ ગુજરાતના વિવિધ શહેરોમાં તંત્ર સફાળુ જાગી ગયું છે અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે જાહેર સ્થળો, ફરવા લાયક સ્થળો, રમત-ગમત માટેના ગેમઝોન, બહુમાળી બિલ્ડીંગો, મોલ વિગેરેમાં કાયદાનું કોઈ પાલન થતું નથી, મંજુરી પણ લીધી ન હોય, એનઓસી પણ ન હોય, ફાયર સેફટીના સાધનોનો અભાવ હોય તેમ છતાં કોકની મીઠી નજર હેઠળ આવા ધામો ધમધમી રહ્યા છે. જૂનાગઢ શહેરની વાત કરીએ તો મનપાએ ચેકિંગ ઝુંબેશ હાથ ધરી અને જૂનાગઢ શહેરમાં ચાર જેટલા ગેમઝોનને ક્ષતીઓના કારણે સીલ કરી દીધા છે અને કાર્યવાહી કરી છે અને આજે પણ અનેક વિસ્તારોમાં ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ જૂનાગઢવાસીઓ માટે આ બાબત જ લાલબતી સમાન છે કે છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢના વિવિધ વિસ્તારોમાં ગેમઝોન ચાલી રહ્યા હતા એ ગેમઝોનની મુલાકાતે જૂનાગઢ શહેરના લોકો કે તેમના બાળકો ગયા જ હશે અને છેલ્લા કેટલાય સમયથી પોપાબાઈના રાજ માફક બધુ ચાલતું હશે પરંતુ કોઈએ આજ દિવસ સુધી તપાસની કામગીરી હાથ ધરી ન હતી અને ઘોરબેદરકારી તંત્રની જાેવા મળી રહી છે. તેમજ જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલી મુખ્ય બજારો કે જયાં સતત ટ્રાફિક રહેતો હોય છે ઉપરાંત આ બજારો અત્યંત સાંકળી છે જેથી કોઈ બનાવ વખતે મદદ કઈ રીતે પહોંચી શકે તે મુશ્કેલજનક પ્રશ્ન છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં એવી અનેક ઈમારતો આવેલી છે કે જયાં ફાયર સેફટી કે એનઓસી ન હોવાની ચર્ચા અને ફરિયાદો છે. તેમજ કેટલી હોટલોમાં પણ સુરક્ષાના સાધનોનો અભાવ હોવાની સાથે રાજકોટમાં પણ જે સ્ટ્રકચર સામે આવ્યું છે તેવું સ્ટ્રકચર અહીં પણ જાેવા મળે છે ત્યારે આ તમામ બાબતો ગંભીર વિચારણા માંગી લે છે અને સંબંધિત તંત્રએ તપાસ કરવાની જરૂર છે. દરમ્યાન આવા કોઈ સ્થળે જતા પહેલા જૂનાગઢવાસીઓએ સલામતીની વ્યવસ્થા અંગે પણ હવે જાગૃત થવાનો સમય આવી ગયો છે. સલામતીના સાધનોના અભાવ વાળા કોઈ સ્થળોએ ન જવું એ જ શહેરીજનોને માટે હિતાવહ છે તેવું જાણકારોનું કહેવું છે.