કોરોના બાદ વિશ્વમાં વધુ એક રોગચાળો આવવાની તૈયારીમાં છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ આ અંગે ચેતવણી જાહેર કરી છે. વૈજ્ઞાનિકે કહ્યું છે કે આવનારી સરકારે આ તરફ ધ્યાન આપવું જાેઈએ. વૈજ્ઞાનિકે એમ પણ કહ્યું કે વિશ્વ હજુ આ પ્રકારની મહામારીનો સામનો કરવા માટે તૈયાર નથી. તેના માટે હવેથી તૈયારી શરૂ કરવી વધુ સારૂં રહેશે. આ માહિતી બ્રિટિશ મીડિયામાં પ્રકાશિત કરવામાં આવી છે.
બ્રિટિશ વૈજ્ઞાનિક પેટ્રિક વેલેન્સે એક કાર્યક્રમમાં આ મહામારીને લઈને સાવધાન રહેવાની ચેતવણી આપી છે. પેટ્રિક વેલેન્સ બ્રિટિશ સરકારના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર રહી ચૂક્યા છે. તેમના મતે, આપણે કોરોના જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાની જરૂર છે. બ્રિટિશ વેબસાઈટ ‘ધ ગાર્ડિયન’માં છપાયેલા અહેવાલ અનુસાર, પેટ્રિકે કહ્યું છે કે જે રીતે દવાઓ, રસી અને સારવારના કારણે કોરોનાને રોકવું શક્ય હતું, તેવી જ રીતે આવનારી મહામારીનો સામનો કરવા માટે પણ તૈયારીઓ કરવી પડશે. તેમણે કહ્યું કે આપણે જાેખમોને વહેલી તકે શોધી કાઢવા માટે વધુ સારી દેખરેખ પદ્ધતિ સ્થાપિત કરવાની જરૂર છે. પેટ્રિક વેલેન્સ કોરોના દરમિયાન કડક પગલાં લેવા માટે જાણીતા છે.