રાજકોટ અગ્નીકાંડ બાબતે
સમગ્ર રાજયમાં ગેમ ઝોન સહિતના મનોરંજન સ્થળો અને જાહેર સ્થળોએ ફાયર એનઓસીની ચકાસણી શરૂ થઇ ગઇ છે ત્યારે ગઇકાલે આ ઘટનાની પ્રાથમિક તપાસનો રીપોર્ટ ‘સીટ’ દ્વારા સરકારને સોંપી દેવામાં આવ્યો છે. તેમાં પોલીસની ઘોર બેદરકારીનો ઉલ્લેખ હોવાનો માનવામાં આવે છે. તે બાદ આજે ગૃહમંત્રી અને સીટની ટીમ વચ્ચે મીટીંગ શરૂ થઇ ગઈ છે.
રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાને પગલે રાજ્યભરમાં આવેલા અલગ-અલગ ગેમ ઝોન પર તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ અંતર્ગત જે તે ગેમ ઝોન દ્વારા ફાયર સેફ્ટી સહિતના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું છે કે નહીં એ વાતની ચકાસણી કરવામાં આવી હતી.
તપાસમાં ઘણી જગ્યાએ સામે આવ્યું હતું કે ગેમ ઝોન માલિકો દ્વારા નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતુ તેવા ગેમ ઝોનને સીલ કરી દેવાયા છે. તો બીજા કેટલાક જયાં નિયમોનું પાલન થયું હતું તે ગેમ ઝોનને પણ નવો આદેશ ન મળે ત્યાં સુધી હંગામી ધોરણે બંધ કરાવાયા છે. રાજ્યના તમામ મહાનગરોમા આવેલા ગેમ ઝોનની તપાસ પૂર્ણ થઇ છે.
રાજ્યના ૮ મહાનગરોમાં કુલ ૧૦૧ ગેમ ઝોનની તપાસનો રીપોર્ટ રાજ્ય સરકારને સોંપાયો છે. ૧૦૧ ગેમ ઝોન પૈકી ૨૦ ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા છે, અને ૮૧ ગેમ ઝોન હંગામી ધોરણે બંધ કરાવાયા છે.
સૌથી વધુ અમદાવાદ શહેરમાં ૩૪ ગેમ ઝોન પૈકી પાંચ સીલ કરી દેવાયા છે અને ૨૯ ગેમ ઝોન હંગામી ધોરણે બંધ કરાવાયા છે. રાજકોટ શહેરમા ૧૨ ગેમ ઝોન પૈકી ૮ સીલ કરાયા છે, તો ૪ હંગામી ધોરણે બંધ કરાવાયા છે.