જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પાંજરાની સફાઇ કરનાર કર્મચારી ઉપર સિંહે હુમલો કર્યો હતો. સફાઇ બાદ પાંજરૂં ખુલ્લું રહી જતા સિંહ બહાર આવી જતા આ ઘટના બની હતી. કર્મચારીને હાથ, પગ, પીઠના ભાગે ઇજા થતા સારવારમાં સિવીલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે મળતી વિગત મુજબ સક્કરબાગમાં ધીરૂભાઇ પી. ટુંડીયા નામના સફાઇ કર્મચારી એકાદ દશકા કરતા વધુ સમયથી સિંહના પાંજરાની સફાઇની કામગીરી કરે છે. દરમ્યાન દરરોજના નિત્યક્રમ મુજબ શુક્રવારે પણ ધીરૂભાઇ સિંહના પાંજરામાં સફાઇ કરતા હતા. જાેકે, સફાઇ કામગીરી પૂર્ણ થયા બાદ ભૂલથી પાંજરાનો દરવાજાે ખુલ્લો રહી ગયો હતો. દરવાજાે ખુલ્લો હોવાથી અજાણ ધીરૂભાઇ બાજુના પાંજરામાં સફાઇ કરી રહ્યા હતા ત્યારે સિંહ આવી ચડ્યો હતો અને હુમલો કરી દીધો હતો. દરમ્યાન બાજુના અન્ય એક પાંજરામાં સફાઇ કરનાર કર્મી દોડી આવ્યો હતો અને હાકોટા પડકારા કરતા સિંહ પાંજરામાં જતો રહ્યો હતો. બાદમાં પાંજરાનો દરવાજાે બંધ કરી દેવાયો હતો. સિંહના હુમલામાં ધીરૂભાઇને હાથ, પગ અને પીઠના ભાગે ઇજા પહોંચી હતી. હુમલાની જાણ થતા જ અન્ય કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત કર્મચારીને તુરત સારવાર માટે સિવીલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.