જૂનાગઢ જીલ્લા અનુસુચીત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકી(ઉ.વ.ર૬)(શહેર એનએસયુઆઈ પ્રમુખ)નું અપહરણ કરીને ગોંડલ ગણેશગઢમાં ઢોર માર મારી નગ્ન કરી વિડીયો ઉતારી હત્યાની કોશિષ કરવાના ગુનામાં ફરાર પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સહિતના ૧૧ આરોપીઓને પકડવા માટે જીલ્લાની પાંચ ટીમોએ ઠેર-ઠેર દરોડા પાડ્યા છે. પોલીસે ત્રણ આરોપીને હસ્તગત કર્યા અને તેની પુછતાછના આધારે અન્યની ધરપકડ કરવામાં આવશે. ગત તા.૩૦ મેંના રોજ રાતે જૂનાગઢના કાળવા ચોકથી આ ઘટનાક્રમની શરૂઆત થયેલ હતી. મોડી સાંજે સંજય સોલંકી પોતાના પુત્ર સાથે બાઈક ઉપર ઘર તરફ જતો હતો ત્યારે પાછળથી અચાનક કાળા કલરની સ્કોર્પિયો કાર આવીને બ્રેક મારતા પથ્થર ઉડીને વાગ્યો હતો. જેથી સંજયે કાર ચાલકને કાર વ્યવસ્થિત ચલાવવાનું કહ્યું તેના કારણે ઝગડો થયો હતો. બાદમાં દાતાર રોડ ઉપર સંજય તેના ઘરે પહોંચ્યો ત્ય્રે કારમાં ધારાસભ્યનો પુત્ર ગણેશ જાડેજા બેઠો હતો. જે જાેઈને સંજયના પિતા રાજુભાઈ સોલંકીએ તે સમયે સમાધાન કરાવીને બધાને રવાના કરી દીધા હતા. પરંતુ બાદમાં મોડી રાતે સંજય જયારે બાઈક ઉપર ઘરે આવી રહ્યો હતો ત્યારે પાછળથી ત્રણ કારમાં આવેલ ગણેશ સહિતના ૧૧ શખ્સોએ સંજયનું અપહરણ કરીને ગોંડલ તરફ લઈ ગયા અને ત્યાં એક અવાવરૂં જગ્યાએ બાદમાં ગણેશગઢમાં લાવીને ઓફિસમાં નગ્ન કરીને વિડીયો ઉતારી મારી નાખવાની ધમકી આપી કારમાં બેસાડી ભેંસાણ ચોકડીએ ઉતારી ગયા હતા. આ ઘટના પછી ગણેશ જાડેજા સહિત ૧૧ શખ્સો સામે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તા.૩૧ને સવારે ૯ઃ૩૦ કલાકે હત્યાની કોશિષ, આર્મસ એકટ, એટ્રોસિટી સહિતની કલમો અન્વયે ગુનો નોંધવામાં આવ્યો હતો અને ફરિયાદ નોંધાયાના બીજા દિવસે તા.૧ના રોજ સમસ્ત અનુસુચિત જાતી સમાજના આગેવાનો અને લોકોએ કલેકટર કચેરી આવીને બપોરે કલેકટર અને એસપીને આવેદનપત્ર આપ્યું હતુ અને આરોપીઓ સામે કાવતરૂ રચવા અંગે અને ગુજસીટોક અન્વયેની કલમોનો ઉમેરો કરવામાં આવે અને આરોપીઓને તાકીદે ધરપકડ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. ઘટના ગંભીર હતી, હત્યાની કોશિષ અને એટ્રોસિટીની કલમો અન્વયે કેસની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી જે.કે. ઝાલાને સોંપવામાં આવી હતી. એસપી હર્ષદ મહેતાએ આરોપીઓને પકડવા માટે તાકીદે પાંચ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં એલસીબી, એસઓજી, ડીવાયએસની ટીમ, એ ડીવીઝન ડી સ્ટાફ તેમજ ટેકનીકલ ટીમ વડે આરોપી સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા અને ઠેર-ઠેર દરોડા પાડયા હતા. એસઓજી ટીમે ઘટનાના દરેક રૂટના સીસીટીવી કબ્જે કરીને તપાસ શરૂ કરી અને બે ટીમ ગોંડલ મુકામે આરોપીઓને પકડવા માટે એસઆર ખાતે મુકવામાં આવી હતી. ત્યારે આ ઘટનામાં ત્રણ આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવ્યા છે. અન્ય આરોપીઓને પકડવા માટે તેમની પુછતાછ ચાલી રહી હોવાનું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.