વોકળાની સફાઇનો અભાવ ફરી અહીંયા તબાહી સર્જે તેવી સ્થાનિકોને ભીતિ
જૂનાગઢ શહેરના વોર્ડ નંબર ૧ના વિવિધ વિસ્તારોમાં ત્રણેક વોકળા આવેલા છે. આ વોકળાની સફાઇ હજુ પણ કરવામાં આવી નથી. ગત વર્ષે ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો હતો અને લોકોના ઘરોમાં પાણી ઘુંસી ગયા હતા. જેને કારણે અનેક પરિવારોને ભારે નુકસાની ભોગવવી પડી હતી.જાેકે,ગત વર્ષની દુર્ઘટના પછી પણ કોર્પોરેશને આમાંથી કંઇ ધડો લીધો હોય તેમ લાગતું નથી. ચોમાસા આડે હવે ગણતરીના દિવસો જ બાકી હોવા છતાં હજુ સુધી આ વોકળાની સફાઇ કરવામાં આવી નથી. પરિણામે વોર્ડ નંબર ૧માં આવેલ સાબલપુર, દોલતપરા અને સરગવાડા સહિતના વિસ્તારની અંદાજે ૫૦,૦૦૦ કરતા વધુની વસ્તી ઉપર ચોમાસામાં જળ પ્રલય તોળાઇ રહ્યો છે. જાે મહાનગરપાલિકા દ્વારા આ વોકળાની સફાઇ કરવામાં નહિ આવે તો ચોમાસામાં ફરી આ વિસ્તારમાં જળબંબાકાર થવાની ભીતિ સ્થાનિક લોકો વ્યકત કરી રહ્યા છે. દરમ્યાન ભાજપના કોર્પોરેટરે પણ રજૂઆત કરી હોવા છતાં ભાજપના શાસનમાં ભાજપના કોર્પોરેટરોનું પણ કોઇ સાંભળતું ન હોય તેવી સ્થિતી નિર્માણ પામી છે. ત્યારે મહાનગરપાલિકા સત્વરે વોકળાની સફાઇ કરે તેવી સ્થાનિક લોકોની માંગ છે. આ અંગે ભાજપના કોર્પોરેટર અશોક ચાવડાએ જણાવ્યું હતું કે, અમારે અહિંથી ત્રણ વોકળા પસાર થાય છે.એક ઇન્દ્રેશ્વર રોડ પરથી, બીજાે કસ્તુરબા સોસાયટીમાંથી અને ત્રીજાે જીઆઇડીસીમાંથી. ગત ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ ન થતા અનેક લોકોના ઘરમાં પાણી ઘુંસ્યા હતા. મે કમિશનરને રૂબરૂ, લેખીતમાં રજૂઆત કરી છે કે લોકો હેરાન થાયછે માટે વ્હેલી તકે વોકળાની સફાઇ કરાવો. પરંતુ હજુ સુધી સફાઇ ન થઇ હોય ૫૦,૦૦૦ની વસ્તી માથે વરસાદી પાણીનું જાેખમ છે. દરમ્યાન રહેવાસીઓનું કહેવું છે કે, ગત વર્ષે વરસાદી પાણી ઘરમાં ઘુંસી જતા ઘરવખરી તેમજ રોજગારીનું સાધન એવી રેકડી પણ તણાઇ ગઇ હતી.આ વર્ષે પણ હજુ વોકળાની સફાઇ કરાઇ નથી. પરિણામે ફરી જળ પ્રલયનો ભય સતાવી રહ્યો છે. ત્યારે આ વર્ષે પણ જળ હોનારત ન થાય અને લોકોને નુકસાની ભોગવવી ન પડે તે માટે મહાનગરપાલીકા તંત્ર દ્વારા ચોમાસા પહેલા જ વોકળાની સફાઇ કરવી જાેઇએ તેવી માંગ કરી છે.