કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ જૂનાગઢની સિવિલ હોસ્પિટલની ફરીયાદોની છેલ્લા ઘણા સમયથી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. તેમજ જૂનાગઢના ધારાસભ્ય દ્વારા પણ અગાઉ ઘણીવાર સિવિલ હોસ્પિટલ અને કોલેજની મુલાકાત લેવામાં આવી હતી. તે સમયે પણ ધારાસભ્ય દ્વારા ઘણી ફરિયાદોને ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવી હતી. ત્યારે ગાંધીનગરથી સચિવ ધનંજય દ્રીવેદી સહિતના અધિકારીઓ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાતે આવી પહોંચ્યા હતા. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના જુદા જુદા વિભાગના તબીબો અને કર્મચારીઓ પણ આ સરપ્રાઈઝ વિઝીટમાં સાથે રહ્યા હતા. આરોગ્ય સચિવ દ્વારા સિવિલ હોસ્પિટલના તમામ ફ્લોરની વિઝીટ કરીને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા. સૌરાષ્ટ્રના બીજા નંબરની અને સોરઠ પંથકની એકમાત્ર મોટી હોસ્પિટલ છે જેમાં ત્રણ થી ચાર જિલ્લા અને ગ્રામ્ય પંથકના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. દર્દીઓની વ્યવસ્થામાં કઈ રીતનો વધારો કરી શકાય અને આગામી સમયમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ઘણા ફેરફારો પણ કરવામાં આવશે જેનું સૂચન આરોગ્ય સચિવ દ્વારા કરવામાં આવ્યું હતું. આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્રીવેદીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ આ વિસ્તારની અગત્યની કોલેજ છે. અત્યારે આ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલની જાહેર સુખાકારીમાં વધારો કરી શકાય તે માટેની આજે મુલાકાત કરવામાં આવી હતી. તેમજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલની માળખાકીય વ્યવસ્થાની પણ મુલાકાત લેવામાં આવી હતી. જૂનાગઢ મેડિકલ કોલેજના ડીન તેમજ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ અને અન્ય વિભાગોના તબીબોને સાથે રાખી હોસ્પિટલની વિવિધ વ્યવસ્થા અને વિકાસના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આવનાર સમયમાં જૂનાગઢ ક્ષેત્રના સારવાર લેવા આવતા દર્દીઓ આ હોસ્પિટલમાં સુવિધાના ફેરફારો જાેઈ શકશે. આ મુલાકાત દરમ્યાન મોટાભાગના વહિવટી પ્રકારના સૂચનો પણ કરવામાં આવ્યા છે. દરમ્યાન આરોગ્ય સચિવે સિવિલ હોસ્પિટલના દરેક માળે ચક્કર લગાવીને ઝીણવટભરી રીતે નિરીક્ષણ કરીને જરૂરી સુચના આપી હતી. જેમાં ખાસ કરીને દરેકને ઓપીડીમાં આવતા દર્દીઓને લેબોરેટરી, ડાયાબીટીસ, બીપી સહિતની ચકાસણી કરવા જયાં ત્યાં ભટકવું ના પડે તે માટે એક જ સ્થળે સુવિધા ઉભી કરવા સચુના આપી હતી. સાથે મેડીકલ કોલેજના ડીનને અઠવાડીયામાં એક વખત બિલ્ડીંગમાં આંટો મારીને ચેકિંગ કરવા તાકીદ કરી હતી. તેમજ ટ્રોમાં સેન્ટરમાં હાલ કોલ ઓન ડોકટર હોય છે તેના બદલે કાયમી સિફટ વાઈઝ ડોકટરો મુકવા જણાવ્યું હતું. હોસ્પિટલમાં લોહી મળી રહે તે માટે બ્લડ ડોનેશન માટેનું ડોનરનું લીસ્ટ અને કોન્ટેકટ નંબર વધારવા કહ્યું હતું. ગાયનેક વિભાગમાં સ્ટાફની ઘટ નિવારવા સુચના આપી હતી. હોસ્પિટલમાં પહેલા, બીજા અને ત્રીજા માળે ફલોરની લાદી તુટેલી જાેવા મળી હતી તેને તુરંત રીપેર કરવા કહ્યું હતું. દીવાલોના પ્લાસ્ટર પણ તુટી ગયાનું ધ્યાને આવ્યું હતું. જેનું સમારકામ કરવા જણાવ્યું હતું. સચિવે જાતે આઈસીયુ વિભાગમાં ફાયર સિસ્ટમનો ફોટો પાડીને સુચના આપી કે આ સિસ્ટમ નહી ચાલે તેને તાત્કાલીક બદલવા કહ્યું હતું.