દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રવિવારના વ્યાપક વરસાદ બાદ ગઈકાલે સવારથી વરસાદી વિરામ રહ્યો છે અને સર્વત્ર ઉઘાડ બની રહ્યો છે. ખંભાળિયા શહેર તથા નજીકના વિસ્તારોમાં રવિવારે મુશળધાર ૧૦ ઈંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. જાે કે તાલુકાના મોટાભાગના ગામોમાં ક્યાંક ફક્ત ભારે ઝાપટા તેમજ કેટલા ગામોમાં માત્ર ત્રણ-ચાર ઇંચ વરસાદ હતો. આ વચ્ચે ભાણવડમાં રવિવારે અઢી ઈંચ અને દ્વારકામાં પણ સોમવારે દોઢ વરસાદ બાદ ગઈકાલે સવારથી જ વરસાદી વિરામ રહ્યો છે. વાદળોની આવન-જાવન તેમજ ક્યાંક હળવા ઝાપટા વરસ્યા હતા. પરંતુ ઉઘાડ વચ્ચે વ્યાપક બફારા અને અસહ્ય ગરમીથી લોકો અકળાઈ ગયા છે. આજે સવાર સુધીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ ૨૪૧ મિલીમીટર, ભાણવડ તાલુકામાં ૬૦, દ્વારકામાં ૩૭ અને કલ્યાણપુરમાં ૫ મિલીમીટર કુલ વરસાદ નોંધાયો છે. વ્યાપક વરસાદથી અનેક ખેડૂતો પોતાના વાવણી કાર્યમાં વ્યસ્ત થયા છે.