ખેતીની જમીન નામે કરાવી દેવાનો વિશ્વાસ અપાવી જૂનાગઢના શખ્સે રૂપિયા ૩૮ લાખ ઉછીના લઇ અને લખાણ કરી આપી નાણાં પરત નહીં કરતા જોષીપરાનાં યુવકે ફરિયાદ કરતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જૂનાગઢમાં જોષીપરાના સરદારપરામાં રહેતા દિપેશભાઈ દાનાભાઈ મકવાણાના મોટા બા મુક્તાબેનના નામે ભેસાણ તાલુકાના ગામની સીમમાં પાંચ વીઘા ખેતીની જમીન લીધી હતી. તેઓ ખેડૂત ખાતેદાર હતા તે પછી જમીન તેઓના ખાતે ચડાવવા જતા તેઓનું નામ ખેડૂત ખાતેદરમાંથી નીકળી ગયું હોય જેથી તેમના નામે ખેતીની જમીન થયેલ નહીં. આ વાત દિપેશભાઈએ મૂળ રાજકોટના અને હાલ જૂનાગઢમાં અગ્રાવત ચોક પાસે આવેલ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતા હિતેન્દ્ર ભનુભાઈ સરવૈયાને કરતા તેઓએ તમામ જગ્યાએ તેમને ઓળખાણ છે અને મુક્તાબેનના નામે ખેતીની જમીન થઈ જશે તેવો વિશ્વાસ અપાવી અને આ પ્રશ્ન થોડાક સમયમાં જ ક્લિયર કરી આપવાનું કહ્યું હતું. હિતેન્દ્રભાઈએ મારે હાથ ઉછીના પૈસાની જરૂર છે, તમારો જમીનનો પ્રશ્ન પણ સોલ્વ કરી આપીશ તેમ કહી રૂપિયા ૩૫,૦૦૦ માંગતા યુવાને પૈસા આપ્યા હતા. આ પછી ૨૦૨૧ થી જુલાઈ ૨ ૨૦૨૩ દરમ્યાન અલગ અલગ રીતે કટકે કટકે ખેતીની જમીનનો પ્રશ્ન સોલ્વ કરી આપવાના બહાને અને ઉછીના પેટે પછી વિશ્વાસમાં લઈ કુલ રૂપિયા ૩૮ લાખ હિતેન્દ્ર સરવૈયાએ મેળવી અને ૧૦ જુલાઈ ૨૦૨૩ના રોજ તેઓને રૂપિયા ૩૮ લાખ આપેલ છે તે અંગેનું લખાણ કરી આપ્યું હતું. પરંતુ આજ દિન સુધી રૂપિયા ૩૮ લાખ પરત નહીં કરી છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાતા બી ડિવિઝનના પીએસઆઇ એચ.ડી. પરમારે તપાસ હાથ ધરી હતી.