વિસાવદરના મોટા કોટડા ગામે સીમ વિસ્તારમાંથી એક કોહવાઈ ગયેલી હાલતમાં અને હાથ-પગ વગરની એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ જાેતા કોઈ હિંસક વન્ય પ્રાણીએ મોત નીપજાવ્યું હોય તેમ માનવામાં આવી રહ્યું છે. આ બાબતની જાણ વિસાવદર પોલીસ અને વન વિભાગને કરતા બનાવ સ્થળે બંને સ્ટાફ પહોંચી જઈ તપાસ હાથ ધરી છે. મોટા કોટડા ગામે જૂનાગઢ રહેતા નિકિતાબેન પટેલનું ખેતર આવેલું છે. તેમાં છેલ્લા સાત-આઠ વર્ષથી બિલખાના સગર છગનભાઈ જીવાભાઇ અજાણી ઉંમર વર્ષ ૬૦ રહેતા હતા. સવારે ખેતર નજીક કાંઠેથી છગનભાઈનો અતિ કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેથી ગામ લોકોએ વિસાવદર પોલીસ સ્ટેશન અને વન વિભાગને આ બનાવની જાણ કરેલ હતી અને બંને વિભાગે જીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. ગામ લોકોના કહેવા મુજબ દીપડાએ છગનભાઈને ફાડી ખાધેલ છે. કેમકે આજુબાજુના વિસ્તારોમાં અનેકવાર દીપડાની હેરાનગતિ થતી રહેતી હોય છે. છગનભાઈના મૃતદેહને પીએમ માટે વિસાવદર સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવેલ પરંતુ મૃતદેહ અતિ કોહવાઈ ગયેલ અને ત્રણ-ચાર દિવસ જૂનો હોય જેથી પીએમ માટે જામનગર એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યો હતો. ગત તા.૬ જૂનના રોજ વંથલીના થાણાપીપળી ગામે દિવ્યા નામની બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો અને ઇજા પહોંચાડી હતી અને બાદમાં દીપડો નાસી ગયો હતો. આ બાબતે વિસાવદર રેન્જના આર.એફ.ઓ. વિક્રાંતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અતિ કોહવાઈ ગયેલી હાલતમાં હોય તેમજ આસપાસના વિસ્તારમાં કોઈ વન્ય પ્રાણીના ફૂટમાર્ક જાેવા મળતા નથી જેથી એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુંનું ચોક્કસ કારણ જાણવા મળશે ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.