ગણેશ જાડેજા સહિત પાંચ આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી

0

જૂનાગઢના યુવાનનું અપહરણ કરીને નિર્વસ્ત્ર કરી વિડીયો ઉતારી માર મારવાના મામલે જેલમાં રહેલા ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા સહિતના પાંચ મુખ્ય આરોપીએ જામીન ઉપર મુક્ત થવા અત્રેની કોર્ટમાં અરજી કરી હતી. ગઈકાલે સેસન્સ કોર્ટે અરજદાર આરોપીઓની અરજી ના મંજુર કરી દીધી છે. જેમાં કોર્ટે કહ્યું કે, આરોપીઓને જાની ઉપર મુક્ત કરવાથી પુરાવા સાથે ચેડા થવાની શક્યતા જણાય આવે છે. અપહરણ, હત્યાની કોશિષ, એટ્રોસિટી, આમર્સ એકટ જેવા ગંભીર કેસના આરોપી એવા જયતિરાદીપસિંહ ઉર્ફે ગણેશ જયરાજસિંહ(ઉ.વ.રપ) રહે.ગોંડલ, જયરાજસિંહ ઉર્ફે જે.કે. રાણા ક્રિપાલસિંહ રાણા(ઉ.વ.ર૮) રહે.ભડવાળ, સુરેન્દ્રનગર, ઈન્દ્રજીતસિંહ દાદુ જાડેજા(ઉ.વ.ર૮) રહે.ભરૂડી, ગોંડલ, પૃથ્વીરાજસિંહ રેવતુ જાડેજા(ઉ.વ.૩ર) રહે.હડમતાળા, દિગપાલસિંહ કેશરીસિંહ જાડેજા(ઉ.વ.ર૮) રહે.હડમતાળા) નામના પાંચ આરોપીઓએ રેગ્યુલર જામીન મેળવવા માટે ગત તા.૧પના રોજ જૂનાગઢ સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી પછી આ ફરિયાદી સંજય સોલંકીના વકીલ અને પોલીસ દ્વારા આરોપીઓને જામીન ના મળે તે માટે સોગંધનામું અને વાંધા અરજીઓ મુકી હતી. જેમાં પોલીસે જણાવ્યું હતું કે, આ ગંભીર પ્રકારનો ગુનો કરેલ છે. અરજદાર મુખ્ય આરોપીઓ છે. તમામ વગદાર હોય અને માત્રને માત્ર પોતાનો અહમ સંતોષવા માટે બનાવને અંજામ આપેલ છે. જામીન મુકત કરવામાં આવશે તો ફરીથી ગુનાને અંજામ આપશે અને કાયદાનો ડર રહેશે નહી. આ તકે કોર્ટે બંને પક્ષોની દલીલોને સાંભળીને ચુકાદો આપ્યો હતો. આ જામીન અરજી અંગે સેસન્સ કોર્ટના ચોથા એડીશનલ જજ બીનાબેન ઠક્કરએ ચુકાદો આપતા જણાવ્યું કે, હાલ આ ગુનાની તપાસ ચાલું છે, જેમાં અરજદાર નંબર એક એટલે ગણેશ જાડેજા મુખ્ય આરોપી છે, તપાસ દરમ્યાન અન્ય અરજદાર ચારેય આરોપીઓ ગુનામાં ફરિયાદીના અપહરણમાં ભાગ ભજવેલ છે તેવું તપાસના કાગળો વંચાણે લેતા રેકર્ડ ઉપર છે. જેથી અરજદાર આરોપીઓને જામીન મુકત કરવાથી તપાસ નાજુક તબક્કે હોય તપાસમાં અસર થાય તેમ છે. તેમજ મહત્વના પુરાવા સાથે ચેડા થવાની પણ શકયતા જણાતી હોય ત્યારે આ જામીન અરજી ના મંજુર કરવામાં આવે છે. આમ ગોંડલના ધારાસભ્યના પુત્ર સહિતના શખ્સોને હજુ જૂનાગઢ જેલમાં રહેવું પડશે.

error: Content is protected !!