આણંદપુર ડેમ ૧૦૦ અને હસનાપુર ૩૭ ટકા ભરાયો : ઓઝત વિયર અને ઉબેણ વિયર ઓવરફ

0

જૂનાગઢમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઇ ચૂકી છે. વરસાદનો બીજાે રાઉન્ડ પણ શરૂ થઇ ચૂક્યો છે. ત્યારે આણંદપુર ડેમ ૧૦૦ અને હસનાપુર ડેમ ૩૭ ટકા ભરાયો છે. જ્યારે ઓઝત વિયર અને ઉબેણ વિયર ઓવરફલો થયો છે. જૂનાગઢ તાલુકાના કેરાળા ગામ પાસે આવેલા ઉબેણ વિયર કેરાળા અને આણંદપુર નજીક આવેલ આણંદપુર વિયર જળાશયમાં પાણીની આવક થતા બંને વિયર ઓવરફલો થયા છે. ઉબેણ વિયર ઓવરફલો થતા નીચવાસમાં આવતા કેરાળા, મજેવડી, તલીયાધર, વધાવી, વાલાસીમડી, વાણંદીયા, વંથલીના બાલોટ, ધંધુસર અને વંથલીને એલર્ટ કરવામાં આવ્યા છે. જયારે આણંદપુર ઓઝત વિયર ઓવરફલો થતા આણંદપુર, વંથલીના રાયપુર, સુખપુર અને મેંદરડાના નાગલપુરને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે વરસાદને લઇને મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન અને રાહત બચાવની કામગીરીની પૂર્વ તૈયારી કરી લેવાઇ છે. આ અંગે કમિશ્નર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું છે કે, શહેરમાં સરેરાશ ૧૦૫૧ મીમી વરસાદ પડે છે. ૨૭ જૂન ૨૦૨૩ સુધીમાં ૨૦૩ મીમી અને ૨૦૨૪માં ૧૪૦ મીમી વરસાદ પડ્યો છે. શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા ડેમોમાં આણંદપુર ૧૦૦ ટકા અને હસ્નાપુર ડેમ ૩૭.૦૯ ટકા ભરાયેલો છે. વરસાદને લઇ મનપા દ્વારા રાઉન્ડ ધ ક્લોક કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો છે. કાળવાના વોકળામાં કાંપ ૯ કિમીમાં છે જેમાંથી ૭ કિમીમાં કાંપ ખાનગી એજન્સીએ કઢાયો છે. જ્યારે ૨.૭ કિમીમાંથી ૨ કિમીમાં કાંપ મનપાએ કાઢ્યો છે. બાકીની ૭૦૦ મિટરની કામગીરી પણ પૂર્ણતાના આરે છે. આ કામગીરીના કારણે વોકળાની પાણીની ક્ષમતા ૧,૫૬,૦૦૦ ક્યુબિક મિટર વધી જશે. શહેરના ૨૨ વોકળામાં ૧૩,૩૩૦ મિટરની લંબાઇની પ્રથમ રાઉન્ડની સફાઇ પૂર્ણ કરાઇ છે. બીજા રાઉન્ડમાં ૮,૪૧૦ અને ત્રીજા રાઉન્ડમાં ૧,૨૪૦ મિટરમાં સફાઇ પૂર્ણ કરાઇ છે. કાળવા તેમજ અન્ય વોકળાના વહેણને અવરોધરૂપ ૩૦૩ વૃક્ષો દૂર કરાયા છે, મુખ્ય માર્ગો નજીકના જાેખમી ૧૪ વૃક્ષોનું સ્થળાંતર કરાયું છે. ગત વર્ષે વરસાદથી નુકસાન થયેલ ૩૫૦ મિટરની પ્રોટેકશન વોલમાંથી ૨૬૦ મિટરની વોલની કામગીરી પૂર્ણ કરાઇ છે.શહેરમાં ૨૪૦૯ કેચપીટની સફાઇ કરાઇ છે, ૨૬ જગ્યાએ લોખંડની જાળી વાળા ઢાંકણા બદલાયા છે. અન્ડરબ્રિજમાં ભરાતા પાણી નિકાલ માટે ૯ પમ્પ તૈયાર રખાયા છે.ફાયરની ૩ રેસ્ક્યુ ટીમમાં ૪૨ સ્ટાફ,૧૯ રેસ્કયુ વાહન તૈયાર છે.મનપાના ૪ આશ્રય સ્થાનોમાં ૨૫૯ લોકોને તેમજ આશ્રય આપી શકાશે.અન્ય ૨૪ આશ્રયસ્થાનો નક્કી કરાયા છે.બાંધકામ શાખાના ૨ જેસીબી, ૩ ટ્રેકટર, ૮ મજૂરને તેમજ સ્ટ્રીટ લાઇટ શાખાના ૩ લેડર,૧ હાઇડ્રોલીક વાહનને રાઉન્ડ ધ ક્લોક ફરિયાદ નિવારણ અર્થે તૈનાત રખાયા છે. વરસાદને લઇ મનપા દ્વારા રાઉન્ડ ધ ક્લોક કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો છે. આમાં ૦૨૮૫-૨૬૨૬૪૭૫, ૨૬૫૪૭૩૦, ૨૬૨૪૪૫૨ તેમજ ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૩૩૩૧૭૧ નંબર ઉપર તેમજ ફાયરના ઇમરજન્સી નંબર ૦૨૮૫-૨૬૫૨૧૦૧, ૨૬૫૪૧૦૧માં ફોન કરી શહેરીજનો ફરિયાદ નોંધાવી શકશે.

error: Content is protected !!