જીએમઈઆરએસ મેડિકલ કોલેજને સાત-આઠ વાર નોટિસ પાઠવ્યા છતાં હજુ ફાયર સેફટીની કામગીરી નથી થઈ પૂર્ણ

0

ફાયર સેફટીના અભાવે શૈક્ષણિક કાર્ય બંધ કરવા મનપાની નોટિસ : વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે શૈક્ષણિક કાર્ય બંધ નહી રહેશે, દુર્ઘટના બને તો જવાબદારી અમારી : ડીન

સરકારના નિયમોનું સરકારી વિભાગોમાં જ પાલન થતું નથી. જૂનાગઢની જીએમઈઆરએસ મેડિકલ કોલેજને અનેકવાર નોટિસ આપવા છતાં હજુ સુધી ફાયરના સાધનોનું ફિટીંગ થયું નથી. જેના લીધે ફાયર વિભાગ દ્વારા મેડિકલ કોલેજનું શૈક્ષણિક કાર્ય બંધ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. જાે કોઈ દુર્ઘટના બનશે તો તેના માટે મેડિકલ કોલેજના ડીનની જવાબદારી રહેશે. બીજી તરફ મેડિકલ કોલેજના જવાબદાર અધિકારીઓએ શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટે સ્પષ્ટ ઈન્કાર કરી રહ્યું છે કે, ફાયરના સાધનો લગાડવાની કામગીરી ચાલી રહી છે અને કોઈપણ દુર્ઘટના થાય તો તેની જવાબદારી લેવા અમે તૈયાર છીએ. સરકાર દ્વારા ફાયર સેફટીના નિયમોનું પાલન કરાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં ફાયર એનઓસી મુદ્દે રોજબરોજ અનેક બિલ્ડીંગોને નોટિસો આપવામાં આવી રહી છે. જૂનાગઢની જીએમઈઆરએસ મેડિકલ કોલેજને સાત-આઠ વાર નોટિસ આપવા છતાં પણ હજુ સુધી ફાયરના સાધનોનું સંપૂર્ણ ફિટીંગ થયું નથી. હવે મનપાના ફાયર વિભાગ દ્વારા મેડિકલ કોલેજના ડીનને નોટિસ આપી શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવા સુચના આપવામાં આવી છે અને જાે કોઈ દુર્ઘટના થશે તો તેની જવાબદારી ડીનની રહેશે. આ અંગે ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, મેડિકલ કોલેજનું હાઈરાઈઝ બિલ્ડીંગ છે તેમાં ફાયર સેફટી ભવિષ્યના તબીબો માટે ખુબ જ જરૂરી છે. આ મુદ્દે અનેકવાર નોટિસ આપવા છતાં આજ દિન સુધી કામગીરી કરવામાં ન આવતા હવે શૈક્ષણિક કાર્ય બંધ રાખવા નોટિસ આપી છે. કેમ કે, કોઈપણ જાતની દુર્ઘટના બને તો શું કરવું ? આ અંગે ગાંધીનગર સુધી પત્રવ્યહારો પણ કરવામાં આવ્યા છે. હાલમાં મેડિકલ કોલેજમાં ફાયરના સાધનો ફિટીંગ કરવાની કામગીરી પ૦ ટકા જેટલી પૂર્ણ થઈ ગઈ છે પણ સંપૂર્ણ કામ પૂર્ણ થયા બાદ શૈક્ષણિક કાર્ય શરૂ થાય તે હિતાવહ છે. આ અંગે મેડિકલ કોલેજના ઈન્ચાર્જ ડીન પૃથ્વીરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની નોટિસ આપી છે પરંતુ ભવિષ્યના તબીબો માટે અભ્યાસ ખુબ જ જરૂરી છે. ફાયર સેફટી માટેનું ૮૦ ટકા કામ પૂર્ણ કરી દીધુ છે. આ અંગેનો જવાબ પણ આપી દીધો છે. સમય મર્યાદામાં અભ્યાસક્રમ પૂર્ણ કરાવવો પણ જરૂરી હોવાથી શૈક્ષણિક કાર્ય બંધ રાખી શકાય નહી. કોઈપણ દુર્ઘટના બને તેની જવાદારી લેવા અમો તૈયાર છીએ.

error: Content is protected !!