જૂનાગઢમાં એસઓજીએ વ્હેલી સવારે બુટલેગર મહિલાને તમંચો તથા ૪ જીવતા કાર્ટીસ સાથે પકડી લઇ રૂપિયા ૧૦,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં મજેવડી દરવાજા પાસે આવેલ ભારત મિલનો ઢોરો વિસ્તારમાં રહેતી નસીમા ઉર્ફે નજમા જાવીદખાન પઠાણ(ઉ.વ.૩૫) નામની મહિલા હથિયાર સાથે મજેવડી દરવાજા પાસે આવેલ બાઈકના શોરૂમની બાજુમાં રોડ ઉપર થઈ નીકળનાર હોવાની બાતમી મળતા એસઓજીનાં મહિલા પીએસઆઇ એસ.એ. સોલંકી અને તેમની ટીમે શુક્રવારની વહેલી સવારે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન મજેવડી ગેટ, બાઈકના શોરૂમ વાળી શેરી ચામુંડા માતાજીના મંદિર પાસે મહિલા ઊભેલી જાેવા મળતા તેને કોર્ડન કરી ઝડપી લઇ તેના હાથમાં રહેલ સફેદ કલરની ખાનગી નિદાન કેન્દ્ર લખેલ પ્લાસ્ટિકની થેલીમાંથી રૂપિયા ૧૦,૦૦૦ની કિંમતનો દેશી હાથ બનાવટનો પરવાના વગરનો તમંચો તેમજ રૂપિયા ૪૦૦ની કિંમતના ૪ કાર્ટીસ મળી આવતા કુલ રૂપિયા ૧૦,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ કરતાં મહિલાએ તેને પતિ જાવીદખાને તમંચો આપ્યો હોવાનું જણાવ્યું હતું. એસઓજીએ મહિલા અને તેના પતિ વિરૂદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી કરી હતી. વધુ તપાસ એએસઆઇ આર.એમ. સોલંકી ચલાવી રહ્યા છે. પરવાના વગરના હથિયાર સાથે ઝડપાયેલ નસીમા ઉર્ફે નજમા પઠાણ ગુનાહિત ઇતિહાસ ધરાવતી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. મહિલા સામે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૨૦૧૭થી દારૂના ૨૭ કેસ નોંધાયા છે અને ૨૦૨૦માં જૂનાગઢ જિલ્લામાંથી મહિલાને તડીપાર પણ કરવામાં આવી હતી. તમંચો અને કાર્ટીસ સાથે પકડાયેલ નસીમા ઉર્ફે નજમા પઠાણે એસઓજીએ કરેલી પૂછપરછમાં જણાવ્યું હતું કે, હથિયાર ૮ વર્ષ પહેલા પતિ જાવીદખાન પઠાણે આપ્યું હતું. તેનું મર્ડર થઈ જતા આ હથિયાર પોતે સાચવતી હતી. આથી પોલીસે મૃતક જાવીદખાન સામે પણ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.