મહેનત- મજૂરી કરી બાળકોને અભ્યાસ કરાવે, લગ્ન કરાવે તેજ બાળકો મોટા થઇ માતા પિતાને ઘરમાંથી કાઢી મૂકે તેવા અનેક કિસ્સા સામે આવે છે. ત્યારે મકાન રાખવું છે પણ માતા, પિતાને રાખવા ન ઇચ્છતા હોય તેવા સંતાનો માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આમાં માતા, પિતાને ઘરમાંથી કાઢી મૂકતા પુત્ર – પુત્રવધુને ઘર ખાલી કરી પિતાને આપવા કોર્ટે હુકમ કર્યો છે. આ અંગે અમૃતલાલ પરમારે જણાવ્યું હતું કે, શહેરમાં પોસ્ટલ સોસાયટીમાં નિલકંઠ નામના મકાનમાં તે તેમના પત્ની મધુબેન સાથે રહેતા હતા. દરમ્યાન આ મકાનમાં પુત્ર ધવલ અને તેમના પત્ની હેતલબેન રહેવા આવ્યા હતા. બાદમાં પુત્ર અને પુત્રવધુએ ઘરનો કબજો કરવા માટે અમોને મારકૂટ કરી ઘરમાંથી કાઢી મૂક્યા હતા જેને પરિણામે અમારે મકાન ભાડે રાખીને અલગ રહેવું પડતું હતું. આ મામલે પોલીસ ફરિયાદ કરેલી છતાં પુત્ર અને પુત્રવધુએ મકાન ખાલી કરેલું ન હતું. બાદમાં વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ અને કલ્યાણ અધિનિયમ મુજબ પુત્ર અને પુુત્રવધુ સામે કાનુની કાર્યવાહી કરવા એડવોકેટ જે.વી.પતાણી, પી.એમ. સરવૈયા, યુ.જે. રાવલને રોકી કેસ કર્યો હતો. આ કેસ ચાલી જતા જૂનાગઢ સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ ચરણસિંહ ગોહેલે અરજદારને સાંભળ્યા હતા તેમજ પુત્ર અને પુત્રવધુને પણ રજૂઆત કરવાની તક આપી હતી. બાદમાં પુત્ર અને પુત્રવધુને મકાન ખાલી કરી આપવા હુકમ કર્યો હતો. સાથે જો મકાન ખાલી ન કરે તો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને પોલીસ પ્રોટેકશન મેળવી મકાન ખાલી કરાવવા અધિકૃત કર્યા છે.