કાળવા વોકળાનું વહેણ અન્યત્ર ડાયવર્ટ કરતા છ ગામના ખેડૂતોની જમીનમાં મોટું નુકસાન : ત્રણ દિવસમાં નિરાકરણ ન થાય તો આત્મવિલોપનની ચિમકી

0

ગત ચોમાસાની સિઝનમાં જૂનાગઢ શહેરમાં કાળવા વોકળાના કાંઠે થયેલા ગેરકાયદેસર બાંધકામોના કારણે ભારે તારાજી સર્જાઈ હતી. આ વખતે ફરી આવી સ્થિતિ ન થાય તે માટે કાળવા વોકળા કાંઠે રાજકીય માથાઓના દબાણો દુર ન કરવા પડે તે માટે નેતાઓના ઈશારે તંત્રએ કબુતરી ખાણ નજીક કુદરતી રીતે જતું પાણીને અન્યત્ર ડાયવર્ટ કરી નાખ્યું હોવાના ગંભીર આક્ષેપ સાથે ખેડૂતોએ કલેકટર, કમિશ્નર, ડીડીઓ, વન વિભાગના ડીસીએફને આવેદનપત્ર આપ્યું છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કાળવાનું કુદરતી વહેણ જે કાળવામાં વહેતું હતું તેને જેસીબીથી બંધ કરી ધરાનગરની જંગલ વિસ્તારની કબુતરી ખાણમાં વાળી દેવામાં આવ્યું છે. આ વહેણ બદલાવાથી હવે પાણી પ્લાસવા, વીજાપુર, સોળવદર, ઘુડવદર, સેલરા અને રાયપુરની સીમમાં ફરી વળેલ છે. પુરના પાણીથી પ્રભાવિત મોટાભાગની જમીનનું ધોવાણ થઈ ગયું છે અને જમીન વાવવાલાયક પણ રહી નથી. વન વિભાગને અવળે માર્ગે દોરી ભેજાબાજાેએ રાજકીય દબાણ ઉભું કરી કાળવાના ગેરકાયદેસર બાંધકામો દુર કરવા ન પડે તેવી ભવિષ્યની તૈયારી રૂપે ગામડાઓમાં તારાજી સર્જી દીધી છે. જંગલ તથા રેવન્યુ વિસ્તારમાં પાણી ફરી વળતા વન્યપ્રાણીઓ રસ્તા ઉપર આવી જાય છે. પ્રથમ વરસાદમાં જ અનેક ગામડાઓ આ સ્થિતિના કારણે પ્રભાવીત થયા છે. જાે હજુ વધુ વરસાદ આવશે તો અન્ય ગામડાઓ પણ પ્રભાવિત થશે અને ભયજનક સ્થિતિ ઉભી થશે. આ અંગે પ્લાસવા, ઘુડવદર, સોડવદર, વીજાપુર, સેલરા અને રાયપુરના સરપંચની આગેવાની હેઠળ ગામના ખેડૂતો તથા આગેવાનોએ ઉગ્ર રજુઆત કરી તાત્કાલીક નિરાકરણ કરવાની માંગણી કરી છે. જાે આ અંગે ત્રણ દિવસમાં ફરી કુદરતી વહેણ હતું તે સ્થિતિમાં કરવામાં નહી આવે તો છ ગામના સરપંચો તેમના ખેડૂતોને સાથે રાખી રસ્તા રોકો આંદોલન તથા આત્મવિલોપનની ચિમકી આપી છે. આમ હવે જૂનાગઢને બચાવવા ગામડા તરફ પાણીનું કુદરતી વહેણ ડાયવર્ટ કરવાના મુદ્દે ભારે ગરમાવો આવ્યો છે.

error: Content is protected !!