ગત વર્ષે ચોમાસાની સિઝનમાં જૂનાગઢ મનપાના સત્તાધિશોને ખબર પડી કે વોકળા કાંઠે તો અનેક ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા છે તેનો કલેકટરની અધ્યક્ષતામાં બનાવેલી સમિતીએ તાત્કાલીક સર્વે કરી ગેરકાયદેસર બાંધકામો કરનારને દબાણો હટાવવા માટેની નોટિસો આપી દીધી હતી. ત્યરે જૂનાગઢવાસીઓને એવું લાગ્યું કે, હવે વોકળાના દબાણો દુર થઈ જશે અને આગામી ચોમાસામાં કે ભવિષ્યમાં કયારેય વોકળાના કારણે મુશ્કેલી ઉભી નહી થાય પણ અનેક કાયદાકીય આંટીઘુટીઓ ઉભી કરી કાચા મકાનો અને એકાદ પાકું મકાન તથા અમુક દિવાલો તોડી સંતોષ માની લીધો હતો. જેટલી નોટિસો આપી હતી તે મુજબની ખરા અર્થમાં કામગીરી થઈ શકી નહી. ત્યારે ગઈકાલે શાંતેશ્વર રોડ ઉપર હનુમાનજીના મંદિરનું દબાણ હટાવવામાં આવતા ફરી એકવાર દબાણને મુદ્દે રાજકીય માહોલ ગરમાયો છે. શાંતેશ્વર રોડ ઉપર વર્ષોથી સરકારી જમીનમાં હનુમાનજીનું મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મંદિરને હટાવવા માટે મનપા દ્વારા મહંતને નોટિસ આપવામાં આવી હતી. મનપાની દબાણ શાખા દ્વારા મંદિરનું કમ્પાઉન્ડ વોલ સહિતનો તમામ ભાગ તોડી નાખવામાં આવ્યો છે. જયારે મંદિરની મૂર્તિ અને ડેરી તોડવા મુદ્દે મહંતે બે દિવસનો સમય માંગતા તે આપવામાં આવ્યો છે. મહંત દ્વારા તેમની જાતે જ વિધી કરી હનુમાનજીની મૂર્તિને અન્યત્ર સ્થળાંતર કરી દેવામાં આવશે. ત્યારબાદ મનપા દ્વારા ડેરી ઉપર જેસીબી ફેરવી સમગ્ર જગ્યા મનપા હસ્તક લઈ લેવામાં આવશે. જેવી રીતે ધાર્મિક દબાણોને દુર કરવા તંત્ર સજ્જ છે તેવી રીતે વોકળા કાંઠેના નોટિસો આપેલા દબાણોને પણ દુર કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.