ભાણવડના ધારાગઢ વિસ્તારમાં જામનગરના એક જ પરિવારના ચાર સદસ્યોના મૃતદેહ સાંપડ્યા

0
ઝેર પીને આપઘાતના કારણ સહિતના મુદ્દે પોલીસ તપાસનો ધમધમાટ : જામનગરથી સ્કૂટર પર આવેલા દંપતી, પુત્ર-પુત્રીએ જિંદગી ટૂંકાવી
ભાણવડ નજીક આવેલા ધારાગઢ ગામેથી બુધવારે જામનગર રહેતા એક જ પરિવારના દંપતિ સહીત ચાર પરિવારજનોના નિષ્પ્રાણ દેહ સાંપડ્યા હતા. જામનગરથી સ્કૂટર પર ભાણવડ આવેલા દંપતિ તેમજ તેમના પુત્ર અને પુત્રીએ ધારાગઢ ગામે અવાવરું જગ્યામાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધાનો આ બનાવ સામે આવ્યો છે.
       આ સમગ્ર બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાણવડ નજીક આવેલા ધારાગઢ ગામના ફાટક પાસેની એક અવાવરૂ સ્થળે ચાર વ્યક્તિઓના મૃતદેહ પડ્યા હોવાની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. આ અંગે તપાસે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જેની પ્રાથમિક તપાસમાં જામનગરમાં માધવબાગ – 1 ખાતે રહેતા અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉ.વ. 42), લીલુબેન અશોકભાઈ ધુંવા (ઉ.વ. 42), જીજ્ઞેશ અશોકભાઈ ધુંવા (ઉ.વ. 20) અને કિંજલબેન અશોકભાઈ ધુંવા (ઉ.વ. 18) નામના ચાર પરિવારજનોએ ધારાગઢ વિસ્તારમાં ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હોવાનું જાહેર થયું છે. પરિવારના મોભી મૃતક અશોકભાઈ બ્રાસપાટની ભઠ્ઠીના વેપાર વ્યવસાય સાથે સંકળાયેલા તેમજ પુત્ર જીગ્નેશ અને પુત્રી કિંજલબેન અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
       ગઈકાલે અશોકભાઈ, તેમના પત્ની લીલુબેન તથા પુત્ર જીગ્નેશ અને પુત્રી કિંજલ બાઈક અને સ્કૂટર મારફતે ભાણવડ પંથકમાં આવ્યા હતા અને જંતુનાશક જલદ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવા અંગેની જાણ મૃતકના સંબંધી વેણુભાઈ જેઠાભાઈ ઘુવા (ઉ.વ. 41, રહે. કનસુમરા પાટીયા, જામનગર) એ ભાણવડ પોલીસને કરી છે. આપઘાત કરનારા ઉપરોક્ત આહીર પરિવારજનો મૂળ મોડપર ગામના વતની હોવાનું અને હાલ તેઓ જામનગર ખાતે રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી, પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી.
     આ પ્રકરણમાં એક સ્યુસાઈટ નોટ પણ મળી આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જે બાબતે પોલીસ તંત્ર દ્વારા અત્યંત ગુપ્તતા સેવામાં આવી રહી છે. આપઘાત કરનાર દંપતિ તેમજ તેમના બંને સંતાનો મળી ચારેયના મૃતદેહને ગતરાત્રે પેનલ પી.એમ. માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
       જામનગરના વેપારી અને સંપન્ન મનાતા આહીર પરિવારના દંપતિ તેમજ પુત્ર-પુત્રી સહિત ચાર સભ્યોએ પોતાના હાથે જંતુનાશક ઝેરી દવા પી લઈને કરી લીધેલા આપઘાત સંદર્ભે ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા મોબાઈલ ડીટેઈલ વિગેરે મારફતે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ત્યારે એક જ પરિવારના ચાર સદસ્યોના સામુહિક આપઘાતના આ બનાવે ભારે ચકચાર જગાવી છે.
error: Content is protected !!