રાજકોટના તબીબ દ્વારા નોંધપાત્ર વૃક્ષો આપી, ઋણ ઋણ ચૂકવાયું : સૌથી વધુ 251 વૃક્ષો માટે જાણીતા તબિયત ડો. ચેતરીયા દ્વારા અનુદાન
ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારમાં પર્યાવરણીય વૃક્ષો વાવીને સમગ્ર પંથકમાં હરિયાળી લાવી, અને પર્યાવરણનું જતન કરવાના દ્રઢ નિર્ધાર સાથે તાજેતરમાં સ્થાપવામાં આવેલા ગ્રીન ખંભાળિયા ગ્રુપ દ્વારા નોંધપાત્ર અને પરિણામલક્ષી કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ અભિયાનમાં ખંભાળિયા શહેરના વિવિધ એસોસિએશનો, કાર્યકરો અને દાતાઓના નોંધપાત્ર સહયોગ વચ્ચે અહીંના અનેક ડોક્ટરોએ ખૂબ મોટી સંખ્યામાં વૃક્ષો દત્તક લઈ અને આવકારદાયક તેમજ પ્રેરણારૂપ સેવા કાર્યો કર્યા છે.
એવરેસ્ટ શિખર સર કરી ચૂકેલા અને શહેરમાં આવેલી સાંકેત હોસ્પિટલના જાણીતા તબીબ ડો. સોમાત ચેતરીયાએ આ સમગ્ર અભિયાનથી પ્રભાવિત થઈને “ગ્રીન ખંભાળિયા 2000″ના આ અભિયાનમાં સૌથી વધુ કહી શકાય તેટલા 251 વૃક્ષોને દતક લેવાની તૈયારી દર્શાવી છે. આટલું જ નહીં, આ ભગીરથ કાર્યમાં અન્ય જરૂરિયાત મુજબનો સહયોગ આપવા પણ તત્પરતા દર્શાવતા સૌ કોઈએ આ બાબતને આવકારી હતી.
ખંભાળિયા શહેરથી તબીબી વ્યવસાયની કારકિર્દી શરૂ કરી અને હવે રાજકોટમાં સ્થાયી થઈ, સમગ્ર સૌરાષ્ટ્રમાં આગળ પડતું નામ ધરાવતા ડો. સંજયભાઈ દેસાઈ (પાયલ હોસ્પિટલ વાળા)એ પણ 51 વૃક્ષો દત્તક લેવાની તત્પરતા દર્શાવી અને ખંભાળિયા શહેરનું ઋણ અદા કરવાનો પ્રયાસ કર્યો હતો.
ખંભાળિયાના જાણીતા સેવાભાવી તબીબ ડો. અમિત નકુમ દ્વારા 51 વૃક્ષો, જાણીતા ગાયનેક ડો. શાલીન પટેલ દ્વારા 51 વૃક્ષો, ડો. નિલેશભાઈ ચાવડા દ્વારા 51, ખંભાળિયાના મૂળ વતની અને હાલ રાજકોટ ખાતે સ્થાયી થયેલા ડો. રમેશભાઈ કછટીયાએ 21 વૃક્ષો દત્તક લેવાની તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત નિદાન ઈમેજિંગ સેન્ટરના ડો. ભાવેશ ધારવીયાએ 21, ઓપેરા ક્લિનિક વાળા ડો. હમીર કાંબરીયાએ 21, ડોક્ટર તેજસ પટેલ દ્વારા 21, જાણીતા ઓર્થોપેડિક સર્જન ડો. નિસર્ગ રાણીંગાએ 11, ડો. રામ ચાવડાએ 11, ગાયનેક ડો. ભરત વાનરીયાએ 11 એ વૃક્ષ ઉપરાંત અન્ય તબીબોએ પણ વૃક્ષો દતક લેવાના આ અભિયાનમાં તન, મન અને ધનથી સહભાગી થઈને સહયોગ દર્શાવતા ડોક્ટર પરિવારનો વૃક્ષ સહયોગનો આંકડો આશરે 600 થી 700 સુધી પહોંચવા આવ્યો છે.
આટલું જ નહીં, ખંભાળિયા નગરપાલિકા દ્વારા જરૂરી સાથ સહકાર મળી રહે તે માટે નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી તેમજ ચીફ ઓફિસર ભરતકુમાર વ્યાસ દ્વારા પણ તત્પરતા દર્શાવવામાં આવી છે. આમ, ગ્રીન ખંભાળિયા વિચારના પ્રણેતા એવા ડો. એચ.એન. પડિયાનો વિચાર હવે આગામી દિવસોમાં ઘેઘૂર વૃક્ષ બની રહેશે અને નજીકના દિવસોમાં 2000 વૃક્ષોનો ટાર્ગેટ પૂર્ણ થયા બાદ જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષો વાવવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ સમગ્ર અભિયાન માટે ગ્રીન ખંભાળિયા ગ્રુપના કાર્યકરોની જહેમત પણ કાબિલે દાદ બની રહી છે.