અગ્રણી બિલ્ડર કમલેશભાઈ દ્વારા 51 વૃક્ષો દત્તક લેવાયા
ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગ્લોબલ વોર્મિંગ સામે રક્ષણ મળી રહે તેમજ વૃક્ષોની વનરાજી સર્જાય તે હેતુથી સ્થાપવામાં આવેલી ગ્રીન ખંભાળિયા સંસ્થાના કાર્યકરો દ્વારા અવિરત રીતે સહમત ઉઠાવીને અહીં 2000 વૃક્ષો વાવવા માટેનો શ્રમયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જે હાલ મહદ અંશે સફળ થઈ રહ્યો છે.
ખંભાળિયામાં તાજેતરમાં યોજાયેલી આઈ.એમ.એ.ની મિટિંગમાં ડો. એચ.એન. પડીયાના વડપણ હેઠળ ચાલી રહેલી આ ઝુંબેશને આવકારી, જામનગરની જાણીતી શ્રી આયુષ ઓશવાળ અને આયુષ સમર્પણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના પ્રતિનિધિઓનું ખંભાળિયામાં આગમન થયું હતું અને આ અભિગમથી તેઓએ પ્રભાવિત થઈ, બંને સંસ્થાઓ દ્વારા કુલ 100 વૃક્ષો દત્તક લેવાનું વિધિવત રીતે જાહેર કરવામાં આવ્યું છે. આમ, ખંભાળિયાના અભિયાનમાં જામનગરના આયુષ ઓશવાળ અને સમર્પણ ગ્રુપનો પણ નોંધપાત્ર સહયોગ સાંપળ્યો છે.
ખંભાળિયાના અગ્રણી બિલ્ડર અને સેવા કાર્યોમાં તત્પર રહેતા કમલેશભાઈ વિઠલાણી દ્વારા પણ ગ્રીન ખંભાળિયા ગ્રુપ માટે 51 વૃક્ષો દતક લેવાની જાહેરાત કરવામાં આવી હતી. અહીંની બંસી હોસ્પિટલના ડો. નિલેશભાઈ ચાવડા દ્વારા પણ 51 વૃક્ષો વાવવા માટે જરૂરી સહયોગ આપવામાં આવશે. ગ્રીન ખંભાળિયા જૂથના કાર્યકરોએ તમામને આવકારીને આભારની લાગણી વ્યક્ત કરી હતી.