ચાંદીપુરા વાયરસ અંગે લોકોને માહિતગાર કરાયા
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે તાજેતરમાં બાળકો માટે વિનામૂલ્યે નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાડથર સ્થિત ડો. પી.વી. કંડોરીયાની ભગવતી હોસ્પિટલ ખાતે યોજવામાં આવેલા આ બાળરોગ નિદાન, સારવાર કેમ્પમાં અહીંના જાણીતા નિષ્ણાત ડો. સુનિલ ઠક્કર તથા ડોકટર મીનલ ઠક્કરએ નવજાત શિશુ અને તેમજ બાળકોને તપાસી, તેઓનું નિદાન કરી, જરૂરી સારવાર આપી હતી. જેનો લાભ મોટી સંખ્યામાં બાળકોને મળ્યો હતો. આટલું જ નહીં, ભાડથર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખાસ વક્તવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઠક્કર દંપતિએ વર્તમાન ચાંદીપુરા વાયરસ સંદર્ભે ઉપસ્થિત ગ્રામજનોને જરૂરી માહિતી આપી અને આ રોગો સામે સાવચેતી કેળવવા માટે જરૂરી પગલાઓ પણ સૂચવ્યા હતા.