મોટી સંખ્યામાં જ્ઞાતિજનો, નગરજનો જોડાયાઃ બજાર સ્વયંભૂ બંધ રહી
ખંભાળિયામાં મેઈન બજાર વિસ્તારમાં આવેલા રાજડા રોડ (ગગવાણી ફળી) ખાતેના એક જુના અને જર્જરિત મકાનનો બે માળનો ભાગ મંગળવારે સાંજે ધડાકાભેર ધરાશાયી થઈ જતા આ મકાનમાં ફસાયેલા સાત જેટલા વ્યક્તિઓ પૈકી એક વૃદ્ધા તેમની પૌત્રીઓ એવી તેમજ બે સગી બહેનોને બચાવવા માટે તંત્ર દ્વારા મંગળવારે મોડી રાત્રી સુધી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ લાંબી જહેમત પછી પણ દાદી-પૌત્રીઓના નિષ્પ્રાણ દેહ જ સાંપળ્યા હતા. આશરે એક સદી કરતા વધુ સમય જુના જૂના આ મકાનના કાટમાળને દૂર કરવા તેમજ ફસાયેલાઓને બચાવવા માટે મંગળવારે મોડી રાત્રી સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. આ કરૂણ બનાવે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી પ્રસરાવી છે. ખંભાળિયા સહિત સમગ્ર વિસ્તારમાં ચકચારી બની ગયેલા બનાવમાં શહેરની મધ્યમાં આવેલી મુખ્ય બજાર નજીક રાજડા રોડ પાસેના ગગવાણી ફળી વિસ્તારમાં એક મકાનની પાછળનો બે માળનો ભાગ ધડાકાભેર જમીન દોસ્ત થઈ ગયો હતો. ત્યારે આ મકાનમાં રહેતા કેસરબેન જેઠાભાઈ કણજારીયા (ઉ.વ. ૬૫) સાથે તેમની ૧૯ વર્ષની પૌત્રી પાયલબેન અને ૧૩ વર્ષની પ્રીતિબેનને ફસાઈ ગયેલી હાલતમાં અહીંથી બહાર કાઢવા માટે દીવાલો તોડીને હાથ ધરવામાં આવેલા સાધન રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અકસ્માતના શરૂઆતના કલાક-દોઢ કલાકમાં વૃદ્ધા તેમજ તેમની પૌત્રીઓનો બચાવ માટે અવાજ સાંભળવા મળ્યો મળતો હતો. પરંતુ થોડો સમય પછી આ અવાજ સંભળાતો બંધ થઈ ગયો હતો. અંતે આ કાટમાળ વચ્ચેથી દબાઈ ગયેલી હાલતમાં ત્રણેય મૃતદેહ મળી આવ્યા હતા. ગઈકાલે બુધવારે સાંજે સાડા ત્રણેક વાગ્યે આ એક જ પરિવારના વયોવૃદ્ધ માતા તેમજ બે પૌત્રીઓની એક સાથે સ્મશાનયાત્રા નીકળી હતી. આ સમયે ભારે આક્રંદ સાથે કરુણ દ્રશ્યો સર્જાયા હતા. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સતવારા સમાજના લોકો તેમજ નગરજનો જોડાયા હતા. આ કરુણ ઘટનાના પગલે રાજડા રોડ વિસ્તારના દુકાનદારોએ પોતાના કામ-ધંધા સ્વૈચ્છિક રીતે બંધ રાખી, મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.