હાલમાં દેશમાં મોન્સૂન સીઝન પૂરબહારમાં ખીલી છે અને ચારે બાજુ એના કારણે તોફાની વરસાદ વરસી રહ્યો છે અને ભારતીય હવામાન ખાતા દ્વારા હજુ એક સપ્તાહ આવું વાતાવરણ રહેનાર હોવાના અનુમાનના પગલે અને રાજ્યના મચ્છીમારોના મહામંડળ દ્વારા પણ ગત તારીખ ૨૩-૭-૨૪ના રાજ્ય સરકારને પત્ર પાઠવી દર વર્ષની માફક રાજ્યમાં ચાલુ થતી ઓગસ્ટ માસની પહેલી તારીખથી શરૂ થતી મચ્છીમારી સીઝન આ વર્ષે પંદરમી ઓગસ્ટથી ચાલુ કરવાની માંગણીના પગલે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે ઓગસ્ટ માસની પહેલી તારીખના બદલે પંદરમી ઓગસ્ટથી ચાલુ કરવાના પરિપત્રનો ઉલાળિયો કરી અહીંના બંદરેથી કોઈપણ જાતની મંજૂરી વગર રાત્રીના અંધકારમાં કઈંક કેટલીય બોટો કચ્છના આખાત તરફ રવાના થયેલ હોવાનું બહાર આવતા કચ્છના આખાતમાં પેટ્રોલિંગ કરતી ભારતીય કોસ્ટગાર્ડની બોટો દ્વારા આશરે ૩૧ જેટલી બોટોને પકડવામાં આવ્યાની વિગતો મચ્છીમારોમાં ચર્ચાય છે. જયારે બીજી બાજુ સોશિયલ મીડિયા ન્યુઝ પેપરના વાયરલ થયેલ વીડિયો અને સમાચારમાં પોલીસ દ્વારા અહીંના ડાલડાં બંદરેથી બિન અધિકૃત અને આધાર કાર્ડ જેવા ઓળખપત્ર વગર આવી પહોંચેલ મચ્છીમારોને પકડી પકડી બોટો ઉપર જ કાયદાનું ભાન કરવાવા જાહેરમાં ધોકાવાળી કરવામાં આવતી હોવાનું બહાર આવતા અહીંના બંદરે મોટા પાયે બિન અધિકૃત મચ્છીમારી ચાલતી હોવાની ઘટનાનો પુરાવો ખુદ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યાનું જણાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે અહીંનું મચ્છીમારી બંદર છેલ્લા થોડા વર્ષો દરેક પ્રકારની દેશદ્રોહી પ્રવૃત્તિનું કેન્દ્ર બન્યું હોય તેવી નીત નવી ઘટનાઓનું સાક્ષી રહેલ છે. ત્યારે હવે તો આજ મચ્છીમારોના સ્વાંગમાં રહેલા દેશદ્રોહી તત્વો દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારના પરિપત્રનો ઉલાળિયો કરી દેશની સુરક્ષા એજેન્સીઓને ખુલ્લો પડકાર ફેંક્યાનું નકારી શકાતું નથી. ત્યારે હવે આવનારા દિવસોમાં અહીં કઈંક નવાજુની થવાની શક્યતાના પગલે તંત્રે એલર્ટ રહેવાની જરૂરિયાત હોવાની માંગણી પ્રજામાં ઉઠવા પામેલ છે.