હરિયાણામાં સોનીપતના મુરથલ સ્થિત દીનબંધુ છોટુરામ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતો સાથે કર્યો સીધો સંવાદ : જ્યાં રસાયણિક ખાતરો અને જંતુનાશકોનો બેફામ પ્રયોગ થાય છે, ત્યાં કેન્સરના ત્રણ ગણા વધુ કેસ, ભવિષ્યમાં આ હજુ વધુ વધશે : યુરિયા, ડીએપી અને જંતુનાશકોનો ત્યાગ કરી પ્રાકૃતિક ખેતી અપનાવો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, આજે આપણે ઉત્પાદન વધારવાના લોભમાં ખેતરોમાં અંધાધૂંધી ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરી રહ્યા છીએ. જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી સમસ્યાઓ વધી રહી છે. આવી સ્થિતિમાં જાે આપણે આવનારી પેઢીઓને શુદ્ધ પાણી, ખોરાક અને હવા પ્રદાન કરવી હશે, તો પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મુરથલ સ્થિત દીનબંધુ છોટૂરામ વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટી ખાતે ‘પ્રાકૃતિક ખેતી સંવાદ’ કાર્યક્રમમાં ખેડૂતો સાથે સંવાદ કરી રહ્યા હતા. ખેડૂતોને સંબોધતા તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિશેષ પ્રયત્નશીલ છે. તેમણે જણાવ્યું કે, ગત દિવસોમાં દિલ્હીમાં યોજાયેલા દેશભરના રાજ્યપાલોના સંમેલન દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પ્રાકૃતિક ખેતીને સમગ્ર દેશમાં પ્રોત્સાહન આપવા માટે નીતિ આયોગને કાર્યયોજના તૈયાર કરવા માટે સૂચનાઓ આપી છે. રાજ્યપાલએ જણાવ્યું કે, ખેડૂતોને લાગે છે કે પ્રાકૃતિક ખેતીથી નુકસાન થશે, પરંતુ એવું નથી. આજે હરિયાણાના ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને તેમને તેના ફાયદા પણ મળી રહ્યા છે. જ્યાં રસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વધુ ઉપયોગ થાય છે ત્યાં કેન્સરના ત્રણગણા વધુ કેસો સામે આવ્યા છે અને ભવિષ્યમાં આ વધશે. લોકોનું સાવધાન કરતાં તેમણે જણાવ્યું કે, આજે આપણે ખેત ઉત્પાદનના નામે ઝેર ખાઈ રહ્યા છીએ. આવી સ્થિતિમાં આગામી પેઢીઓના રક્ષણ અને સારા સ્વાસ્થ્ય માટે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે. આ અવસરે ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંકુલમાં ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ પણ કર્યું હતું.