ગંભીર બેદરકારી સબબ જામનગરના ત્રણ ટ્રસ્ટીઓ સામે ફરિયાદ
દ્વારકા નજીક આવેલી કનૈયાધામ ગૌશાળામાં થોડા સમય પૂર્વે કેટલાક ગૌવંશના કરૂણ મોત નીપજ્યા હતા. અહીં આવેલા ગૌ સેવકોની તપાસમાં આ સ્થળે ગાય, નંદી તેમજ વાછરડાઓના મૃત્યુ સંચાલકો, ટ્રસ્ટીઓની બેદરકારીના કારણે તેમજ ભૂખમરાના કારણે થયા હોવાનું જાહેર થયું હતું. આ સમગ્ર પ્રકરણ અંગે ગતરાત્રે દ્વારકા પોલીસ મથકમાં જામનગર ખાતે રહેતા આ ગૌશાળાના ત્રણ ટ્રસ્ટીઓ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. દ્વારકામાં મુરલીધર ટાઉનશિપ, મંદિર ચોકની બાજુમાં રહેતા અને ગૌસેવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હાદિર્કભાઈ શૈલેષભાઈ વાયડા નામના ૩૭ વર્ષના બ્રાહ્મણ યુવાન દ્વારા આ સમગ્ર પ્રકરણ અંગે જામનગર ખાતે રહેતા અને કનૈયાધામ અન્નક્ષેત્ર ગૌશાળના ટ્રસ્ટી તરીકે કાર્યરત વિજયભાઈ ભોગાયતા, સંજયભાઈ ભોગાયતા અને નગાભાઈ માડમ નામના ત્રણ શખ્સો સામે દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદમાં જણાવાયા મુજબ કનૈયાધામ અન્નક્ષેત્ર ગૌશાળામાં આશરે ૯૦ થી ૯૫ જેટલા ગાય, નંદી તેમજ વાછરડા હતા. ગત તારીખ ૨૫ જુલાઈના રોજ આ પૈકી ૧૦ જેટલા ગાય, નંદીના મૃત્યુ થયા હતા. આ બાબત અંગે સ્થાનિક રહીશ હરભમભા કેર દ્વારા ગૌશાળાના ટ્રસ્ટી વિજયભાઈને જાણ કરી, અને આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ તેમના દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ પછી અન્ય ચાર વાછરડાઓના પણ આ સ્થળે મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવ અંગે મૃત્યુ પામેલા ગાય, નંદીના પશુ ડોક્ટર દ્વારા કરવામાં આવેલા પોસ્ટમોર્ટમ અંગેની નોંધ તથા એ.ડી.આઈ.ઓ. લેબોરેટરી વિભાગ – જામનગર દ્વારા આપવામાં આવેલા અભિપ્રાય મુજબ ગૌવંશના મૃત્યુ તથા મોતનું કારણ ભૂખમરાનું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત અન્ય બીજી ગાયોને પણ ખાવા-પીવાનું ન મળવાથી તેની શારીરિક સ્થિતિ અત્યંત દયનીય જોવા મળી હતી. પૂરતો ઘાસચારો ન મળતા કેટલાક ગૌવંશ દુર્બળ થઈ ગયા હોવાનું પણ ગૌસેવકોના ધ્યાને આવ્યું હતું. આમ, આ પ્રકારે કનૈયાધામ ગૌશાળાના ટ્રસ્ટીઓની બેદરકારીના કારણે કુલ ૧૪ ગાય-બળદ મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્ય કેટલીક ગાયોને દુર્બળતા આવી ગઈ હતી. જેના કારણે તે નકામી બની ગઈ હતી. આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે કનૈયાધામ ગૌશાળાના ટ્રસ્ટીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૨૫ તથા પશુઓ ઘાતકી ધારાની કાયદાની કલમ અન્વયે ધોરણસર ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી હતી