ચેક પોસ્ટ પાસેથી પોલીસે રૂા.૭.૧૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
દ્વારકા નજીક ચઢતા પહોરે એક ક્રેટા મોટરકારને પોલીસે અટકાવી, ચેકિંગ કરતા આ ક્રેટા કારમાંથી કોથળામાં છુપાવીને લઈ જવાતો દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો હતો. આ પ્રકરણમાં પોલીસે રૂ. ૭.૧૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દ્વારકા પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકાના પી.આઈ. ડી.એચ. ભટ્ટની સૂચના મુજબ પી.એસ.આઈ. ટી.ડી. ચુડાસમાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે દ્વારકા નજીક આવેલી ખોડીયાર ચેક પોસ્ટ પાસેથી ગઈકાલે મધ્ય રાત્રિના આશરે ચારેક વાગ્યાના સમયે પસાર થતી જી.જે. ૧૧ બી.આર. ૯૭૯૨ નંબરની સફેદ કલરની એક ક્રેટા મોટરકારને પોલીસે અટકાવીને ચેકિંગ કરતા આ કારમાંથી દેશી દારૂ ભરેલા કોથળાઓ મળી આવ્યા હતા. આથી આ પ્રકરણમાં પોલીસે રૂપિયા ૧૧,૦૦૦ ની કિંમતનો ૫૫૦ લીટર દેશી દારૂ તેમજ રૂપિયા ૭ લાખની કિંમતની ક્રેટા મોટરકાર અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૭ લાખ ૧૩ હજારના મુદ્દામાલ સાથે મૂળ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રહીશ અને હાલ કથારા નેસ ખાતે રહેતા ગઢવી જેઠા બાધા ટાપરીયા (ઉ.વ. ૩૪) નામના શખ્સની અટકાયત કરી, આ અંગે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.