ટ્રાફિક બ્રિગેડને થતો અન્યાય દુર કરવા અને વધારાના લાભો આપવા માંગ

0

જૂનાગઢના સામાજીક કાર્યકરે મુખ્યમંત્રીને વિસ્તૃત પત્ર લખ્યો

જૂનાગઢના સામાજીક કાર્યકર્તા મોહનભાઈ ચુડાસમાએ ગુજરાત રાજયના મુખ્યમંત્રીને એક પત્ર પાઠવી અને ગુજરાત રાજયના ટ્રાફિક બ્રિગેડસાથે થતા અન્યાય અંગેની રજુઆત કરી છે. ઉપરાંત ટ્રાફિક બ્રિગેડ સંપૂર્ણ ટ્રેનિંગ હોય અને તેમની પાસે અનુભવ હોય છે અને યોગ્ય અભ્યાસ પણ હોય છે અને હાલમાં પોલીસ કોન્સ્ટેબલ સમક્ષકની ફરજ બજાવી રહ્યા છે જેથી ટ્રાફિક બ્રિગેડને પોલીસમાં સમાવેશ કરવા જણાવેલ છે. આ પત્રમાં વિશેષમાં જણાવેલ છે કે, સમગ્ર ગુજરાતમાં તથા જૂનાગઢ જીલ્લામાં ટ્રાફિક બ્રિગેડની સ્થાપના(રચના) વર્ષ- ૨૦૧૧ થી થઇ છે. તેમજ છેલ્લા ૧૦ થી ૧૫ વર્ષથી ફરજ બજાવે છે. ટ્રાફિક બ્રિગેડ નિષ્ઠાપુર્વક તેમજ વફાદારીપુર્વક તેઓ દરેક ઋતુમાં ઠંડી/ગરમી તેમજ વરસાદમાં ખડેપગે ઉભા રહી સતત પોલીસ કર્મચારીઓ સાથે ખુબ જ સારી કામગીરી કરે છે. આ તમામ ટ્રાફિક બ્રિગેડને દૈનિક માનદ વેતન રૂા.૩૦૦/- આપવામાં આવે છે. અન્ય કોઇ પણ પ્રકારના લાભ આપવામાં આવતા નથી. તેમજ યુનિફોર્મ, આઇકાર્ડ, બુટ, ટોપી, બેલ્ટ, વિસલ કે પછી રેગ્યુલર પગાર પણ થતો નથી અને પી.એફ, બોનસ, બઢતી કે બદલી આપવામાં આવતી નથી. પરંતુ છટણી જરૂર કરવામાં આવે છે. આ ઉપરાંત ટ્રાફિક બ્રિગેડની ફરજ દરમ્યાન અકસ્માત થાય કે ઈજા-જાનહાની થાય કે મૃત્યું થાય તો પણ કોઈ ઈન્સ્યોરન્સ કે પોલીસી આપવામાં આવતી નથી. જે ખરેખર આપવા જ જોઇએ અને દૈનિક માનદ વેતન રૂા.૩૦૦/- છે. જે લઘુત્તમ વેતનથી પણ ઓછું છે. સામાન્ય ખેતમજુરને દૈનિક વેતન રૂા.૪૦૦/- થી રૂા.૫૦૦/-તેમજ બાંધકામ મજુરને પણ દૈનિક વેતન રૂા.૮૦૦/થી રૂા.૯૦૦/- રોજગારી મળે છે. તેમજ રસ્તા વચ્ચે જ્યારે ટ્રાફિક બ્રિગેડ જવાન ફરજ બજાવતા હોય ત્યારે કપરી ફરજ બજાવવી પડતી હય છે. ટ્રાફિક બ્રિગેડ સખત મહેનત કરી ફરજ બજાવે છે અને વી.આઇ.પી.બંદોબસ્ત, તહેવાર, કે પછી, કોરોના જેવી મહામારી હોય ત્યારે ૮ કલાકથી પણ ફરજની કલાકો વધી જાય તેનું વધારાનું વેતન પણ ટ્રાફિક બ્રિગેડને આપવામાં નથી આવતું ટ્રાફિક બ્રિગેડ જવાન સતત કામગીરી કરે છે અને ઘર-પરીવારથી દુર રહીને ફરજ બજાવે છે. તેમજ ટ્રાફિક બ્રિગેડ જવાન ફરજ ઉપર હોય ત્યારે રસ્તા ઉપર કોઈ પણ વ્યક્તિનું પર્સ, મોબાઇલ, જેવી કિંમતી વસ્તુ મળે છે તો, ખરાઇ કરી ને મૂળ માલિકને પરત કરે છે છતાં પણ પ્રોત્સાહન સ્વરૂપે બિરદાવવામાં આવતા નથી. તેમજ ટ્રાફિક બ્રિગેડના પરીવારમાંથી કોઈ વ્યક્તિ બીમાર હોય ત્યારે રજા રાખે તો તેમની રજાના દિવસનું વેતન કાપી લેવામાં આવે છે. મહિનામાં રવિવારની પણ રજા આપવામાં આવતી નથી. તેમજ આ ટ્રાફિક બ્રિગેડ જવાનોની કોઈ પણ પ્રકારની નોંધ લેવામાં આવતી નથી. આ ઉપરાંત પોલીસમાં ભરતી કરવાની થતી હોય તો ટ્રાફિક બ્રિગેડ સંપુર્ણ ટ્રેની હોય છે અને તેઓની પાસે અનુભવ પણ હોય છે અને યોગ્ય અભ્યાસ પણ છે. તેઓ હાલમાં પોલીસ કોસ્ટેબલ સમકક્ષની ફરજ બજાવે છે. તો ટ્રાફિક બ્રિગેડને પોલીસમાં સમાવેશ કરવા જણાવેલ છે. અંતમાં આ બાબતે યોગ્ય કરવા પત્રના અંતે મોહનભાઈ ચુડાસમાએ વિનંતી કરી છે.

error: Content is protected !!