ચોમાસામાં પ્રકૃતિની વધુ-ઓછા વરસાદની અસર વચ્ચે ફાયદાકારક, પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં મિશ્ર પાકની “સફળ ખેતી”

0

જમીન, પાણી અને સમયનો કાર્યક્ષમ ઉપયોગ એટલે મિશ્ર પાક પદ્ધતિ

સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા ભાગનો પ્રદેશ સુકો વિસ્તાર છે. વરસાદનું પ્રમાણ પણ ઓછું હોય છે ત્યારે જિલ્લાની ખેતીવાડી વરસાદ કરતા કેનાલ પર વધુ આધારિત છે. આ ભૌગોલિક પરિસ્થતિમાં જો ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ કરવામાં આવે અને તેમાં મિશ્ર પાક પદ્ધતિ અપનાવવામાં આવે તો, ખેડૂતોને સારો ફાયદો થઈ શકે. આ પદ્ધતિથી ખેડૂતમિત્રો જમીન, પાણી અને સમયનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકે છે. એટલું જ નહીં, ચોમાસા ઉપર ર્નિભર રહેતી ખેતીમાં મિશ્ર પાક પદ્ધતિથી એક પાક નિષ્ફળ જવા છતાં બીજા પાકમાંથી કેટલુંક ઉત્પાદન મેળવી શકાય છે. ધાન્ય વર્ગના પાકોની સાથે કઠોળ વર્ગના પાકોની મિશ્ર પાક પદ્ધતિ કરવાથી જમીનની ફળદ્રુપતા પણ વધે છે. કઠોળ વર્ગના પાક સહજીવી રીતે હવામાં નાઇટ્રોજન લઇ શકે છે, જેથી તેના પછી લેવામાં આવેલ પાકને અથવા તો મિશ્ર પાકને તેનો ફાયદો મળે છે. કેટલાંક કઠોળ વર્ગના પાકો જમીનનું ધોવાણ અટકાવે છે તથા તેના પાન, મૂળ, થડ જેવા પાકના અવશેષો જમીનમાં ઉમેરવાથી સેન્દ્રિય પદાર્થની વૃદ્ધિ કરે છે. મિશ્ર પાક પદ્ધતિ એટલે એક જ ખેતરમાં એક મુખ્ય પાક તરીકે અને બીજો પાક સહાયક કે ગૌણ પાક તરીકે લેવામાં આવે છે. જેમાં ટૂંકાગાળાના પાકોનું લાંબાગાળાના પાકો સાથે તથા ધાન્ય વર્ગના પાકોનું કઠોળ વર્ગના પાકો સાથે મિશ્ર પાક પદ્ધતિથી વાવેતર કરવામાં આવે છે.
મિશ્ર પદ્ધતિથી પાક નિષ્ફળ જવા સામે સફળ સુરક્ષા
ચોમાસા પર ર્નિભર ખેતીમાં પાકની સફળતા કે નિષ્ફળતાનો આધાર વરસાદ પર આધારિત છે. એમાંય અનિયમિત વરસાદની વહેંચણીથી અમુક પાકને ફાયદો થાય છે. તો કેટલાંક પાક સંપૂર્ણ નિષ્ફળ જાય છે. સતત વરસાદથી કપાસ, બાજરી કે જુવારના પાક પર વિપરીત અસર થાય છે, પરંતુ ડાંગરના પાકને ફાયદો મળે છે. તેમજ વરસાદ ઓછો પડે ત્યારે બાજરી અને તલ જેવા પાકો સારી રીતે લઈ શકાય છે. આમ મિશ્ર પાક પદ્ધતિથી સૂકી ખેતીમાં અનિયમિત વરસાદ સામે પાક નિષ્ફળ જવાનું જોખમ ઘટાડી શકાય અને પિયત ખેતીમાં વધારે આવક મેળવી શકાય છે.
જમીનની ફળદ્રુપતાની જાળવણી
જમીનની ફળદ્રુપતા સુધારવા અને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે યોગ્ય મિશ્ર પાક પદ્ધતિ જરૂરી છે. પાકોની ખાતરની જરૂરિયાત ઘટાડી શકાય છે. આ પદ્ધતિમાં ઉંડા મૂળવાળા પાક સાથે છીછરા મૂળવાળા પાકો લેવાથી જમીનના ઉપરના તથા નીચેના પડમાંથી પોષક તત્વો મેળવી શકાય છે અને બંને પાકોની પોષક તત્વોની જરૂરિયાતો અલગ અલગ હોવાથી વધુ સમતોલ રીતે જમીનના ઉપલબ્ધ તત્વોનો ઉપયોગ કરી શકાય છે. કેટલાક કઠોળ વર્ગના પાકોની જમીન ઉપર આવરણની સ્થિતિમાં પથરાતા હોવાથી જમીનનું ધોવાણ ઓછું કરી શકાય અને જમીનમાં ભેજ જળવાઇ રહે છે.
મિશ્રપાક પદ્ધતિથી ખેડૂતોની જરૂરિયાત પૂર્ણ કરી શકાય
ખેડૂતની જીવન જરૂરિયાતની ચીજો મિશ્રપાક પદ્ધતિમાં બે કે વધુ પાકો લેવાથી દાણાની તથા નાણાંની તેમજ પશુઓના ઘાસચારાની જરૂરિયાતો પણ સંતોષી શકાય છે. મજૂરોને વધારે લાંબા સમય સુધી અને વધુ પ્રમાણમાં રોજગારી મળી રહે છે. આ પદ્ધતિથી સમયાંતરે આવક થાય છે અને ભાવ વધઘટથી આર્થિક નુકશાન ઓછું થાય છે.
ચોમાસામાં વરસાદને અનુરૂપ મિશ્ર પાક લઈ શકાય
ચોમાસામાં પાછોતરો વરસાદ સારો થાય છે આનો લાભ લેવા માટે કપાસ, દિવેલા, તુવેર કે વરિયાળી જેવા લાંબા ગાળાના પાકોમાં બે ચાસ વચ્ચે ઘાસચારાની જુવાર, ટૂંકાગાળાના શિયાળુ પાકો જેવા કે રાયડો, ચણા, મકાઇ કે ઓટ અને રજકા જેવા પાકની વાવણી થઇ શકે છે. ચોમાસામાં ઓછા વરસાદ કે પાણીની અછતના સંજોગોમાં પાણીની વધારે જરૂરિયાતવાળા કે લાંબાગાળાના પાકોના બદલે કઠોળ અને તૈલી વર્ગના પાકોનું વાવેતર કરવું જોઇએ. આમ ઓછો વરસાદ હોય ત્યારે કે પાછોતરો વરસાદ હોય ત્યારે અનુકુળ મિશ્ર પાકના વાવેતરથી ખેડૂતો એક નહીં તો બીજા પાકથી આવક મેળવી વધુ નુકસાનથી બચી શકે છે.

error: Content is protected !!