ભાગીદારીમાં ખાણ રાખવાની લાલચ આપીને ભાણવડના મહિલા સાથે રૂા.૧૩ લાખ જેટલી છેતરપિંડી : જામપરના શિક્ષણવિદ સામે ફરિયાદ

0

ભાણવડ તાલુકાના નવાગામ ખાતે રહેતા એક મહિલાને શાળા સંચાલક દ્વારા ભાગીદારીમાં ખાણ રાખવા માટે પૈસાનું રોકાણ કરવા બાબતે વિશ્વાસમાં લઈ, કુલ રૂપિયા ૧૨.૯૧ લાખની છેતરપિંડી કરી, ધાક ધમકીઓ આપવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ભાણવડ તાલુકાના નવાગામ વાડી વિસ્તારમાં રહેતા અને આંગણવાડીમાં હેલ્પર તરીકે કામ કરતા મુમતાઝબેન સુલેમાનભાઈ ઘુઘા નામના ૩૮ વર્ષના મહિલાનો પુત્ર આ જ ગામના સાગર ચનાભાઈ છુછરની શાળામાં અભ્યાસ કરતો હતો. જેથી સાગર તથા મુમતાજબેન એકબીજાના પરિચયમાં હતા. આ દરમિયાન સાગરે ફરિયાદી મુમતાજબેનને જામજાેધપુર તાલુકાના પરડવા ગામે ખાણમાં ભાગીદારીમાં ખાણમાં પૈસાની લાલચ આપી, તેણીનો વિશ્વાસ કેળવી લીધો હતો. આ પછી તા. ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૩ ના સમયગાળા દરમિયાન તેણીની પાસેથી રોકડ તેમજ ગોલ્ડ લોન સ્વરૂપે ટુકડે ટુકડે રોકડ રકમ તથા બેન્ક મારફતે રૂપિયા ૧૨,૯૧,૪૧૨ મેળવી લઈ આ પછી સુનિયોજિત છેતરપિંડીના ભાગરૂપે ફરિયાદી પાસેથી આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા મેળવી અને કોરા કાગળ પર મુમતાઝબેનની સહીઓ પણ લઈ લીધી હતી. આ પછી ફરિયાદીએ આરોપી સાગર પાસેથી પોતાના રૂપિયા પરત લેવા માટેની માંગણી કરતા એણે પોતાની પાસે પૈસા ન હોવાનું કહી, તેના એક્સિસ બેન્કના કુલ રૂપિયા ૯.૧૦ લાખના બે ચેક તેમજ અન્ય એક આસામી હલીમાબેનનો રૂપિયા પાંચ લાખનો ચેક આપ્યો હતો. જે ફરિયાદી મુમતાઝબેને બેંકમાં જમા કરાવતા આ ચેક રિટર્ન થયા હતા. આ પછી પણ આરોપી સાગરે ફરિયાદી મહિલાને એમને દેવાના થતા પૈસા બાબતે તેમને વિશ્વાસમાં રાખી અને તેમને આપવાની થતી રકમ ઉઘરાણી કરવા છતાં પરત આપી ન હતી. આટલું જ નહીં, ફરિયાદી મુમતાજબેને પૈસાની ઉઘરાણી કરવા તેમના ઘરે જતા તેમને ધાક ધમકી આપીને કાઢી મૂકી, લાકડાના ધોકા વડે માર મારવાની ધમકી પણ આપી હોવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે મુમતાજબેન સુલેમાન ઘુઘાની ફરિયાદ પરથી છૂછર સાગર ચનાભાઈ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ ગુજરાત પોલીસ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.કે. મારૂ દ્વારા હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!