ખંભાળિયા નજીક જામનગર માર્ગ ઉપર આવેલી રોજગાર કચેરી (આઈ.ટી.આઈ.) ખાતે મંગળવારે બપોરે આશરે દોઢેક વાગ્યાના સમયે એકાએક આગ લાગી હતી. આઈ.ટી.આઈ.માં રહેલા પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટ થતા આ આગ લાગી હોવાનું કહેવાય છે. ત્યારે કોલેજના સમયે આ આગ લાગતા વિદ્યાર્થીઓમાં દોડધામ મચી જવા પામી હતી. આગના સ્થળેથી વિદ્યાર્થીઓ દૂર ચાલ્યા જતા કોઈ મોટી જાનહાની થઈ ન હતી. આ બનાવ અંગે ડિઝાસ્ટર કંટ્રોલ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર અધિકારી મીતરાજસિંહ પરમારની સૂચના મુજબ સ્ટાફના ઈર્શાદભાઈ, જયપાલસિંહ વિગેરેએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.