ખંભાળિયાના ક્ષત્રિય શ્રદ્ધાળુઓ દ્વારા કચ્છ માતાના મઢ ખાતે પદયાત્રા : વાજતે ગાજતે પ્રસ્થાન

0

પૂર્વ પ્રમુખ ગીરૂભા જાડેજાની ત્રણ દાયકાથી અવિરત રીતે પદયાત્રા

આગામી દિવસોમાં આદ્યશક્તિ આરાધનાના પર્વ નવરાત્રીનો મંગલ પ્રારંભ થનાર છે. ત્યારે કચ્છ ખાતે બિરાજતા પૂજ્ય શ્રી આશાપુરા માતાજીના મંદિર ખાતે દર્શન તેમજ પૂજન-અર્ચનના અનન્ય મહાત્મય વચ્ચે અન્ય સ્થળોની જેમ ખંભાળિયા ખાતેથી મોટી સંખ્યામાં માઈ ભક્તોએ માતાના મઢ ખાતે ચાલીને પદયાત્રાનું પ્રસ્થાન કર્યું છે. ખંભાળિયાથી કચ્છ માતાના મઢ ખાતે છેલ્લા આશરે ત્રણ દાયકાથી અહીંના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ ક્ષત્રિય સમાજના અગ્રણી ગીરીરાજસિંહ ડી. જાડેજા (ગીરૂભા) તેમજ અન્ય શ્રદ્ધાળુ ભક્તો ચાલીને જાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મંગળવારે ખંભાળિયામાં આવેલા પૂજ્ય આશાપુરા માતાજીના મંદિરથી કચ્છ ખાતે માતાના મઢ સુધીની પદયાત્રાનો પ્રારંભ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. ગીરૂભા જાડેજા સાથે અન્ય કેટલાક શ્રદ્ધાળુ ભક્તો પણ પદયાત્રાએ જવા રવાના થયા હતા. આ અંગે ગીરૂભા જાડેજાએ જણાવ્યું હતું કે ખંભાળિયાથી આશરે ૪૫૦ કિલોમીટર દૂર માતાના મઢ ખાતે તેઓ વર્ષ ૧૯૯૫ થી અવિરત રીતે જાય છે. આટલું અંતર દૈનિક ૬૦-૭૦ કિલોમીટર કાપીને સાતથી આઠ દિવસમાં તેઓ આ પદયાત્રા પૂર્ણ કરી દે છે. હાલ ૭૮ વર્ષની હોય પણ ગીરૂભા જાડેજાને માતાજીની દયાથી ચાલીને પહોંચવાનો સ્ટેમીના મળી રહે છે. માર્ગમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, ભક્તો પદયાત્રીઓની સેવા કરે છે. ગઈકાલે માતાના મઢ ખાતે પ્રસ્થાન કરી રહેલા પદયાત્રીઓને ભાવભરી રીતે હારતોરા કરીને વિદાય આપવામાં આવી હતી.

error: Content is protected !!