દેવભૂમિ દ્વારકાના ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર રૂા.૩ હજારની લાંચ લેતા ઝડપાયા

0

ડબલ પાનકાર્ડ કઢાવતા આસામી પાસેથી માંગી હતી લાંચ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા એક આસામી દ્વારા પોતાનું ડબલ થયેલું પાનકાર્ડ રદ કરાવવા જતા આ અંગે દ્વારકાના વર્ગ ૩ના કર્મચારી એવા ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર દ્વારા રૂા.૧૦,૦૦૦ની માંગણી કર્યા બાદ લેતી-દેતીમાં રૂપિયા ૩,૦૦૦ ની રોકડ રકમની લાંચ લેતા એ.સી.બી. પોલીસે આ અધિકારીને ઝડપી લઇ, ગુનો નોંધ્યો છે. સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દ્વારકા જિલ્લામાં રહેતા એક આસામીએ અગાઉ કઢાવેલું પાનકાર્ડ ખોવાઈ જતા તેમણે ઓનલાઈન માધ્યમથી બીજું પાનકાર્ડ કઢાવ્યું હતું. આ પછી તેમને પોતાનું જૂનું પાનકાર્ડ મળી આવ્યું હતું. તેમની પાસે થઈ ગયેલા બે પાનકાર્ડ પૈકી પોતાનું નવું પાનકાર્ડ રદ કરવા માટે તેમણે દ્વારકા ખાતે આવેલી ઇન્કમટેક્સ કચેરીનો સંપર્ક કર્યો હતો. અહીં ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સુનિલકુમાર અરવિંદકુમાર મીના (ઉ.વ. ૩૦) એ તેમની પાસે આવેલા આસામીને ડબલ પાનકાર્ડ ધરાવવા બદલ પેનલ્ટી તેમજ જેલની સજા થઈ શકે તેમ જણાવ્યું હતું. સામા પક્ષે ફરિયાદી આસામીએ પોતાને આવી કોઈ નોટિસ મળેલ નથી અને પોતે સામેથી બીજું પાનકાર્ડ રદ કરાવવા આવ્યા છે તેમ જણાવ્યું હતું. તેમ છતાં પણ ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર સુનિલકુમાર મીનાએ રૂા.૧૦,૦૦૦ ની પેનલ્ટી થશે તે ભરવી ન હોય તો અડધા રૂપિયા ૫,૦૦૦ વહીવટ પેટે આપી દેવા જણાવ્યું હતું. આથી ફરિયાદીએ આનાકાની કર્યા બાદ રૂા. ૩,૦૦૦ માં લેતી-દેતી કરવાનું નક્કી થયું હતું. આ પછી ફરિયાદી આસામીએ એન્ટી કરપ્શન બ્યુરો કચેરીનો સંપર્ક કર્યો હતો. જેને અનુલક્ષીને રાજકોટ એ.સી.બી. વિભાગના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ જામનગર – દ્વારકા જિલ્લાના ઇન્ચાર્જ અધિકારી પી.આઈ. આર.એન. વિરાણી દ્વારા ગઈકાલે દ્વારકાની ઇન્કમટેક્સ કચેરી ખાતે લાંચનું છટકું ગોઠવીને ફરિયાદી અને આરોપી વચ્ચે લાંચ બાબતેની ચર્ચા પછી રૂા. ૩,૦૦૦ ની રોકડ રકમ સાથે ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર સુનિલકુમાર મીનાને રૂ. ૩,૦૦૦ ની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો. આમ, રાજ્ય સેવક તરીકે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી, ગુનાહિત ગેરવર્તણુક કરવા સબબ એ.સી.બી. પોલીસે મંગળવારે ધોરણસર કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!