કલ્યાણપુર તાલુકાના જામ રાવલમાં નગરપાલિકાએ દરબાર ગઢમાં ઉભતી શાકભાજીની લારીવાળાઓને નોટીસ આપીને અન્ય સ્થળે તેની લારીઓ રાખીને વેચાણ કરવાની સૂચના આપ્યા પછી રાવલ શાકભાજી એસોસિએશને સોમવારે બંધ પાળ્યો હતો. જેના કારણે નગરમાં શાકભાજીની અછત સર્જાઈ હતી. નગરપાલિકાની નોટીસના વિરોધમાં પાડવામાં આવેલા બંધમાં શાક માર્કેટની અંદરની શાકભાજીની તમામ દુકાનો તથા પાથરણાવાળાઓ પણ જાેડાયા હોવાથી રાવલમાં શાકભાજીનું વેચાણ સદંતર બંધ રહ્યું હતું. પરંતુ બપોર બાદ આ બાબતે શાકભાજી વેચતા આસામીઓ તથા નગરપાલિકાના સત્તાધીશો વચ્ચે બેઠક યોજાઈ હતી. રેંકડીઓ રસ્તા પર અવરોધક ન બને અને ગંદકી કે ભીડભાડ ન થાય તથા ટ્રાફીકના પ્રશ્નો ન સર્જાય તે રીતે ચર્ચા-વિચારણાઓ થઈ હતી. આ પ્રશ્ને સુખદ સમાધાન થયું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.