કેશોદના શેરગઢ ગામેથી શિક્ષકની બદલી થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા

0

કેશોદના શેરગઢ કૃષ્ણપરા શાળામાં ૧૪ વર્ષથી ફરજ બજાવતાં શિક્ષક અમીતભાઈની બદલી, વિદાય ટાણે સૌ કોઇ રડી પડ્યા

કેશોદના શેરગઢ ગામે કૃષ્ણનગર સીમ શાળા ખાતે છેલ્લાં ચૌદ વર્ષથી ફરજ બજાવતાં આચાર્ય અમીતભાઈ કાનજીભાઈ સંઘાણીની બદલી પ્રાસલી મુકામે થતા યોજાયેલ વિદાય સમારંભમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. વિદ્યાર્થીઓ સાથે શિક્ષકની આંખોમાંથી પણ આસુની ધારા વહી જતાં હાજર સૌ કોઇની આંખોના ખુણા ભીના થઇ ગયા હતા. કેશોદના શેરગઢ ગામમાં છેલ્લા ૧૪ વર્ષથી શિક્ષક તરીકે અમીતભાઈ કાનજીભાઈ સંઘાણી ફરજ બજાવતા હતા, તેમની કેશોદના શેરગઢ ગામે કૃષ્ણનગર સીમશાળામા ચૌદ વર્ષ પહેલાં નિમણૂંક કરવામાં આવી ત્યારે આસપાસના વિસ્તારના નહિવત્‌ બાળકો શિક્ષણ મેળવવા આવતા હોય તેઓએ વાડી વિસ્તારમાં રહેતા વાલીઓને સમજાવી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળાએ અભ્યાસાર્થે મોકલી આપવા સમજાવી સરકારી ખર્ચે વાહનની વ્યવસ્થા કરી શાળાભ્યાસથી દુર રહેતાં બાળકોને શિક્ષણ મેળવવા પ્રેરિત કર્યા હતાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના શબ્દોમાં કહીએ તો માનવીને માનવતા શીખવે એ જ સાચી કેળવણી છે એ ઉક્તિને અમીતભાઈ કાનજીભાઈ સંઘાણીએ સાર્થક કરી હોય વિધાર્થીઓ વાસીઓના દિલમાં મુઠ્ઠી ઉચેરુ સ્થાન મેળવ્યું હતું. શિક્ષક અમીતભાઈ વિદ્યાર્થીઓ સાથે બેસી રમતા રમતા અને વિદ્યાર્થીઓના અંદાજમાં શિક્ષણ આપી વિદ્યાર્થીઓના પરિવારના સભ્યની જેમ રહેતા હતા. જેના કારણે શિક્ષકની વિદ્યાર્થીઓની સાથે ગ્રામજનોમાં પણ એટલીજ લોકપ્રિયતા વધી હતી, રાજય સરકારના શિક્ષક વિભાગ દ્વારા વાંરવાર તેમની કામગીરીના કારણે પ્રોત્સાહન કરતા હતા. સમયાતંરે શેરગઢ ગામે કૃષ્ણનગર સીમશાળા નાનકડાં છોડમાંથી મોટું વટવૃક્ષ બની ગયું ધોરણ એકથી આઠ સુધીના ૨૫૦ થી વધારે વિધાર્થીઓ શેરગઢ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના અને વાડી વિસ્તારના વિધાર્થીઓએ શિક્ષણ મેળવી રહ્યાં છે. કેશોદના શેરગઢ ગામે કૃષ્ણનગર સીમશાળાના શિક્ષક અમીતભાઈ કાનજીભાઈ સંઘાણીની બદલી થતાં ગામના અગ્રણી આગેવાનો વાલીઓ સાથી શિક્ષકો અને વિધાર્થીઓ દ્વારા શાલ ઓઢાડી મોમેન્ટો આપી હતી. શિક્ષક અમીતભાઈ કાનજીભાઈ સંઘાણી હસમુખા મળતાવડા સ્વભાવને કારણે જયારે વિદાયની વેળા આવી તો ગામના લોકો અને વિદ્યાર્થીઓએ પોતાના ઘરના સભ્યની વિદાય થઈ હોય તેવો માહોલ સર્જાયો હતો અને વિદ્યાર્થીઓ રીતસર રડી પડ્યા હતા ગામ લોકો અને વિદ્યાર્થીઓના ટોળા શિક્ષકને ચારે તરફ વળ્યા હતા. આમ શિક્ષક અમીતભાઈ કાનજીભાઈ સંઘાણીની બદલી થતા શેરગઢ ગામના લોકો પોતાને ભારે ખોટ પડી હોય તેવો અફસોસ કરી રહ્યા છે.

error: Content is protected !!