જૂનાગઢની જેલમાંથી ડ્રગ્સનું નેટવર્ક ચાલતું હોવાની સનસનીખેજ વિગતો બહાર આવતા ખડભડાટ

0

ર૦રરમાં ૩ લાખના ડ્રગ્સ સાથે પકડાયેલા યુવકના કિસ્સામાં કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા

જૂનાગઢ શહેરમાં આવેલી સેન્ટ્રલ જેલ જુદા-જુદા બનાવને લઈને અનેકવાર ચર્ચાને ચકડોળે ચડેલ છે. જેલના સરપ્રાઈઝ ચેકિંગ દરમ્યાન અવાર-નવાર વાંધાજનક ચીજવસ્તુઓ મળતી હોવાના બનાવો પણ અવાર-નવાર બનેલ છે. આ દરમ્યાન ર૦રરમાં ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા શખ્સની ઉંડાણપુર્વકની તપાસ દરમ્યાન ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. જૂનાગઢની જેલમાંથી ડ્રાગ્સનું આખું નેટવર્ક ચાલતું હોવાનું સનસનીખેજ અહેવાલ બહાર આવેલ છે. તપાસનીશ અધિકારીઓએ અગાઉ ડ્રગ્સમાં પકડાયેલા એક શખ્સની ઉંડાણપૂર્વકની પુછપરછમાં આખું ભોપાડુ બહાર આવ્યું હતું અને આ બનાવના અનુસંધાને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢની જેલમાંથી અગાઉ ડ્રગ્સના રેકેટનું સંચાલન થતું હોવાનું તપાસનીશ પોલીસ અધિકારીની ઇન્કવાયરીમાં ખુલ્યું છે. પોલીસ તપાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે, ભરૂચ જંબુસરમાં ડ્રગ્સ સાથે પકડાયેલા ઓમપ્રકાશ સાકરીયાએ જૂનાગઢમાં પણ ડ્રગ્સનું નેટવર્ક ગોઠવવાનો ર્નિણય કર્યો અને તેણે પોતાના માણસોને જૂનાગઢ જેલમાં રહેલા સત્યેન્દ્ર ઉર્ફે અજય જાટને મળવા માટે મોકલ્યા હતા, ત્યારબાદ જૂનાગઢમાં પણ ડ્રગ્સનું નેટવર્ક ગોઠવાઈ ગયું હતું. જાેકે, ડ્રગ્સ લઈને જતો કલ્પેશ પોલીસના હાથે પકડાઈ ગયા પછી આ સમગ્ર હકીકતનો ભાંડો ફૂટી ગયો હતો. જૂનાગઢમાં આરટીઓ ઓફિસના ગેટ પાસે આવેલ બ્રિજની આગળ રીવર વિલાસ સોસાયટી જવાના રસ્તેથી ગત ૨૦૨૨માં કલ્પેશ નામનો યુવક મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પકડાઈ ગયો હતો. આ મેફેડ્રોન ડ્રગ્સ જૂનાગઢ જેલમાં રહેલા સત્યેન્દ્ર ઉર્ફે અજયે અંકલેશ્વર ના ઓમ પ્રકાશ સાકરીયા પાસેથી મંગાવીને પોતાને આપ્યું હોવાનું કલ્પેશે જણાવ્યું હતું. આથી, પોલીસે જેલમાંથી સત્યેન્દ્ર જાટનો કબજાે મેળવીને પૂછપરછ કરતા અંકલેશ્વરના ઓમપ્રકાશનું નામ બહાર આવ્યું હતું. ઓમપ્રકાશના માણસોએ જેલમાં સત્યેન્દ્ર સાથે મુલાકાત કરીને ડ્રગ્સનું નેટવર્ક ગોઠવવાની વાટાઘાટ કરી હતી અને પછી તેના માટે બહારથી એક મોબાઇલ જેલની અંદર ફેંક્યો હતો, આ મોબાઇલનો છૂપો ઉપયોગ કરીને સત્યેન્દ્ર એ જૂનાગઢમાં ડ્રગ્સનું નેટવર્ક ગોઠવ્યું હતું. પોલીસે આ તમામ આરોપીઓની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. જાેકે, સમગ્ર કિસ્સામાં ડ્રગ્સ પૂરું પાડનારો ઓમપ્રકાશ પકડાયો નહોતો. ઓમપ્રકાશે તાજેતરમાં જૂનાગઢની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી મૂકી હતી. દરમ્યાનમાં પોલીસ તપાસમાં ખૂલેલી ઉપરોક્ત હકીકતને તેમજ સરકારી વકીલ નિરવભાઈ પુરોહિતની દલીલોને ધ્યાનમાં રાખીને સેશન્સ જજ ભુપેન્દ્રકુમાર જી. દવેએ તેના આગોતરા નામંજુર કર્યા હતા.
ડ્રગ્સની લાઇન સેટ કરવાના બદલામાં સત્યેન્દ્રને છોડાવવાનો સોદો થયો હતો
ઓમપ્રકાશના માણસોએ જૂનાગઢમાં ડ્રગ્સનું નેટવર્ક સેટ કરવા માટે જેલમાં રહેલા સત્યેન્દ્રની ૨૦૨૨માં મુલાકાત લીધી હતી, એ સમયે સત્યેન્દ્ર ડ્રગ્સનો કારોબાર સેટ કરવામાં એને સાથ આપે અને બદલામાં સત્યેન્દ્રને જેલમાંથી છોડાવવામાં ઓમપ્રકાશ મદદ કરે એવો સોદો થયો હતો. સત્યેન્દ્ર અગાઉ પણ ઓમપ્રકાશ પાસેથી ડ્રગ્સ લાવતો હોવાના લીધે તે બંને વચ્ચે જૂની મિત્રતા હોવાનું પણ પોલીસની તપાસમાં ખુલ્યું હતું.
ડિસેમ્બર ૨૨માં અંકલેશ્વરમાં આરોપીના ઘરે પંચનામુ પણ થયું હતું
જૂનાગઢ ડ્રગ્સ મોકલવામાં જેમનું નામ ખુલ્યું છે તે આરોપી ઓમપ્રકાશના દક્ષિણ ગુજરાત સ્થિત રહેઠાણ ઉપર પણ ગત તા.૧૩ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ તત્કાલીન પી એસ આઇ જે.ડી. દેસાઈએ તપાસ કરી હતી. જાેકે, આરોપી ત્યાં મળી આવ્યો ન હતો. ઓમપ્રકાશ આવે ત્યારે પોલીસને જાણ કરવાની લેખિત યાદી આપીને તેના ઘરનું પંચનામું કરવામાં આવ્યું હતું. આમ છતાં આજ સુધી આરોપી હાજર થયો ન હોવાની બાબત પણ કોર્ટે નોંધ ઉપર લીધી હતી.

error: Content is protected !!